ચોમાસાની શરૂઆત થતા જ મોઘું ડીઝલ- પ્રતિકુળ હવામાન વચ્ચે 8 માસની સિઝન પૂૂરી કરી વલસાડ જિલ્લાના માછીમારો બોટ લઇને વતન પહોંચ્યા છે. વલસાડ જિલ્લાની 2000 જેટલી ફિશિંગ બોટ કાંઠાના ગામોની જેટી કિનારે લાંગરવામાં આવી છે. બીજીતરફ અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લોપ્રેશરની સિસ્ટમ એક્ટિવ થતાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસમાં પવન અને વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે.
મોઘું ડીઝલ અને પ્રતિકુળ હવામાનને લઇ ફિશિંગ સિઝન નબળી રહેતા સાગરખેડૂ માછીમારોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો છે. ગત વર્ષે વલસાડ જિલ્લામાં ચોમાસા બાદ મચ્છીમારીની સિઝન શરૂ થઇ ગઇ હતી. માછીમારીનો ધંધો ઓક્ટોબરથી શરૂ થાય છે. ઓખા, જખૌ, વેરાવળ, મુંબઇ ના સુમદ્રમાં જિલ્લાની બોટો ફિશિંગ માટે નીકળે છે. આ વર્ષે 11 જૂનથી ચોમાસાના મંડાણ થતાં વલસાડ જિલ્લાની 2000 બોટ વિવિધ બંદરો પરથી વલસાડ જિલ્લામાં પરત ફરી છે.
જિલ્લાના 40 હજારથી વધુ માછીમારો ફિશિંગ દ્વારા ગુજરાન ચલાવે છે. કોસંબા, દાંતી, ઉમરસાડી, નારગોલ, ઉમરગામ, મરોલી, જેવા કાંઠાના મત્સ્ય બંદર પરથી મહારાષ્ટ્રના રત્નાગિરી કિનારે તથા ભાઉચા બંદર તથા ગુજરાતના જખૌ અને વેરાવળ, ઓખા બંદરે ધોલાઇ અને વલસાડ જિલ્લાના કાંઠાના ગામોની બોટ લાંગરવામાં આવી છે.

જાન્યુઆરી 2022 દરમિયાન અરબી સમુદ્રમાં તોફાની ચક્રવાતને લઇ વલસાડ જિલ્લા અને ધોલાઇ સહિત 1500 બોટ પ્રતિકૂળ હવામાન અને તે અંગેની આગાહીના પગલે કિનારે સુરક્ષિત પરત થઇ ગઇ હતી.આ ગાળામાં સમુદ્રમાં 70થી 80 કિમીની ઝડપે પવનો અને વરસાદથી દરિયો તોફાની બન્યો હતો.વલસાડ જિલ્લાની બોટો પરત ફરી હતી અને ઘણી બોટ જખૌ, વેરાવળ અને મહારાષ્ટ્ર બંદરો પર લાંગરી દેવામાં આવી હતી. ચાલૂ સીઝન વચ્ચે જાન્યુઆરી 2022 દરમિયાન પ્રતિકૂળ હવામાનથી ફિશિંગ વ્યવસાયને મોટી અસર થતાં માછીમારોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.