ચોમાસામાં દર વર્ષે વાપીમાં ચાર રસ્તાથી ચણોદ ગેટ સુધી અને ચણોદ થી ડુંગરા-દેગામ સુધીનો માર્ગ ખાડા માર્ગ બને છે. આ સમસ્યા 40 વર્ષથી છે. જેનાથી વાપીના લોકો ત્રસ્ત છે. આ વર્ષે પણ હજુ તો સિઝનનો 10 ટકા વરસાદ માંડ પડ્યો છે. ત્યારે ફરી આ રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ચુક્યા છે. જે અકસ્માત નોતરી રહ્યા છે.
વાપીમાં વાપી ચાર રસ્તાથી ચણોદ ગેટ સુધી અને ચણોદ થી ડુંગરા-દેગામ સુધીનો માર્ગ ફરી એકવાર ખાડા માર્ગ માં રૂપાંતર પામ્યો છે. આ માર્ગને RCC બનાવવાનું વચન છેલ્લા 4 વર્ષથી મંત્રીઓ આપી રહ્યા છે. પરંતુ નીંભર માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્ટેટ હાઇવે ઓથોરિટીના ઇજનેરો ટસના મસ થતા નથી. આ માર્ગ ફરી એકવાર ખાડા માર્ગ બનતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
વાપીના આ ખાડા માર્ગ અંગે સામાજિક કાર્યકર ભીમરાવ કટકે એ આક્રોશ ઠાલવ્યો હતો કે આ માર્ગ છેલ્લા 40 વરસથી દર ચોમાસામાં ખાડા માર્ગ બને છે. જેને કારણે મોટી સંખ્યામાં વાહનચાલકો ના અકસ્માત થાય છે. જેમાં અનેકવાર જીવ ગયા છે. આ માર્ગને RCC માર્ગ બનાવવા માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્ટેટ હાઇવે ઓથોરિટીના ઇજનેરો સમક્ષ અનેકવાર લેખિત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવી છે. પરંતુ દર વર્ષે ખરાબ રસ્તાની મરામત કરવાના બહાને ભ્રષ્ટાચાર આચરી ખિસ્સા ભરતા અધિકારીઓ RCC રોડ બનાવતા નથી.
ટ્રાફિક થી ધમધમતો આ માર્ગ જો આગામી દિવસોમાં લોકોપયોગી માર્ગ બનાવવામાં નહિ આવે તો રસ્તા રોકો આંદોલન તેમજ ધરણા પ્રદર્શનના કાર્યક્રમ કરવાની સામાજિક કાર્યકરે ચીમકી ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે આ માર્ગમાં એટલા મોટા ખાડા પડયા છે કે અહીંથી કોઈ દર્દીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવો હોય તો તેનું મૃત્યુ રસ્તામાં જ થઈ જશે. મોટા ખાડા ના કારણે કામધંધા અર્થે નીકળતા કામદારો નિયત સ્થળે સમયસર પહોંચી શકતા નથી. તો, ટ્રાફિક જામને કારણે દરરોજ થતા અકસ્માતમાં કેટલાક વાહનચાલકો ઘાયલ થઈ રહ્યા છે. અથવા મોતને ભેટી રહ્યા છે.