Sunday, December 22News That Matters

કોન્ટ્રાકટર વરસાદમાં પણ રોડ પર ડામરના થિંગડા મારતા હોય તો પછી એ ડામર રોડ પર ખાડા જ પડે ને……!

વાપી નોટિફાઇડ વિસ્તારમાં વાપીના જાણીતા સરકારી વર્ક ઓર્ડર લઈ કામ કરતા નેતાને 25 ટકા જેટલા ડાઉન રેટના ટેન્ડરે માર્ગમાં પડેલા ખાડાઓનું પેચવર્ક કરવાનો કોન્ટ્રાકટ આપ્યો છે. આ કોન્ટ્રાક્ટરે ચારેક દિવસથી ડામર રોડનું પેચવર્ક શરૂ કર્યું છે. જેમાં સોમવારે બપોરે વરસાદી છાંટા વચ્ચે પણ ડામર નું પેચવર્ક શરૂ રાખતા લોકોમાં આ કામગીરીને લઈને આશ્ચર્ય ફેલાયું હતું.
 
આ વર્ષે વાપીમાં ભારે વરસાદમાં તમામ મુખ્ય માર્ગો ધોવાયા હોવાની આલબેલ પોકારતા નેતાઓ, અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો એ જ વરસાદમાં કામ કરતા કોન્ટ્રાક્ટરો સામે કડક વલણ અખત્યાર કરવાને બદલે છાવરતા હોય તેવો ઘાટ વાપી નોટિફાઇડ માં સર્જાયો છે. વાપી નોટિફાઇડ વિસ્તારમાં ચોમાસામાં ધોવાઈ ગયેલા અને ખાડાઓમાં તબદીલ થયેલા રોડનું પેચવર્ક શરૂ થયું છે. આ માટે એક ભાજપના નેતાની જાણીતી પેઢીનું 25 ટકા ઓછા ભાવે ટેન્ડર પાસ કર્યું છે. જો કે 25 ટકા જેટલા ઓછા ભાવે ભરેલા ટેન્ડર પર જ લોકોને પેચવર્કની કામગીરી કેવી થશે તેનો સંદેહ જાગ્યો હતો. જો કે આ સંદેહ તકલાદી કામ થઈ રહ્યું હોય તેમ સાચો પડી રહ્યો છે.
વાપી નોટિફાઇડ વિસ્તારમાં પેચ વર્ક કરતો કોન્ટ્રાક્ટર સોમવારે ચાલુ વરસાદમાં ડામર પાથરી તેના પર રોલર ફેરવી રહ્યો હતો. આ દ્રશ્યો જોઈ આસપાસના લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. ચાલુ વરસાદમાં ડામર પથરવાનું કામ જોતા તે કામગીરી કેટલી ટકશે તે અંગે લોકોમાં સંદેહ જાગ્યો હતો. એક તરફ ચોમાસાના વરસાદમાં જ માર્ગ પર મસમોટા ખાડા પડયા છે. ત્યારે એ જ વરસાદમાં કોન્ટ્રાકટર મજૂરો પાસે રોડ પર ડામરનું પેચવર્ક કરાવતો જોવા મળ્યો હતો.
જો કે આ પ્રકારે વરસાદી માહોલમાં રોડ પર ડામરના પેચવર્ક અંગે મજૂરો પાસે ડામર પથરાવતા વ્યક્તિએ જણાવ્યું હતું કે, ડામર-કપચી ભરેલું ડમ્પર એમ જ ઉભું રાખીએ તો ડામર ખરાબ થઈ જાય એટલે ચાલુ વરસાદમાં પણ ડમ્પર માં રહેલો ડામર રોડ પર પાથરવા સિવાય કોઈ આરો નથી. વરસાદ તો થોડી વાર આવે પણ માલ ખરાબ થઈ જાય, તો, પેચવર્કનું કામ લેનાર પેઢીના અને ભાજપના નેતા કમ કોન્ટ્રાકટરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 2-દિવસથી કામ શરૂ કર્યું છે. પરંતુ આજે વરસાદ આવતા ડમ્પર માં જે ડામર કપચી નો જથ્થો ભરેલો હતો તે ખાલી કરી પાથરી દીધો હતો. જે બાદ કામ અટકાવી દીધું છે. ડમ્પરમાં ડામર લાવે ત્યારે તે ગરમ હોય જેના પર વરસાદનું પાણી પડે તો તે ઠંડો થઈને જામી જાય જે બાદ તેને ખાલી કરી શકાય નહીં.
તો, ચાલુ વરસાદમાં ડામરનું પેચવર્ક ના થાય અને એ માટે કોન્ટ્રકટરને આગોતરી સૂચના આપી દેવાનું હિતાવહ સમજતા નોટિફાઇડ ચીફ ઓફિસરે વરસાદ શરૂ થાય તેના એકાદ કલાક પહેલાં જ કોન્ટ્રકટરને પેચવર્કની કામગીરી સ્થગિત કરવાની સૂચના આપી હતી. તેમ છતાં જાણે કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની ચલાવી હોય તેમ ચાલુ વરસાદમાં ડામરના પેચવર્કનું કામ શરૂ રાખ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારે ચાલુ વરસાદમાં કોન્ટ્રાક્ટરની ડામર પાથરવાની કામગીરી જોતા આ પેચવર્કનું કામ કેટલું મજબૂત હશે તે અંગે લોકોમાં સંદેહ જાગ્યો છે. કદાચ થિંગડા મારવાના આ તકલાદી કામ માટે જ કોન્ટ્રાક્ટરે ઓછા ભાવે ટેન્ડર ભર્યું હોવાનું લોકો માની રહ્યા છે. આશા રાખીએ કે નોટિફાઇડ આ અંગે ડામરના પેચવર્કની કામગીરી તકલાદી છે કે મજબૂત છે તે અંગે ટેસ્ટ કરી લોકોને ખાડામાર્ગોથી નિજાત અપાવે તે હિતાવહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *