કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દિવના એક સંઘપ્રદેશ માં વિલીનીકરણ બાદ અહીંના વીજ વિભાગનો 50 ટકા જેટલો હિસ્સો ખાનગી કંપની ને સોંપી દીધો છે. જો કે વર્ષોથી દમણ નું વીજ વિભાગ કામદારોને પગાર બાબતે શોષણ કરતું રહ્યા બાદ ખાનગી કંપનીએ પણ પગાર વધારો નહિ કરતા 300 જેટલા કામદારોએ દમણ વીજ વિભાગની કચેરીએ ઘેરાવ કરી ધરણા યોજી પગાર વધારાની માંગ કરી હતી.
દમણમાં વીજ વિભાગ માં 300 જેટલા કર્મચારીઓ છેલ્લા 15થી વધુ વર્ષથી ફરજ બજાવે છે. જેઓને સરકારી કર્મચારીઓ તરીકે સમાવી પગાર ચૂકવવામાં આવતો હતો.
જો કે હાલમાં દાદરા નગર હવેલી અને દમણ-દિવને એક સંઘપ્રદેશમાં વિલીનીકરણ કરી અહીંના વીજ વિભાગનો 50 ટકા જેટલો હિસ્સો ખાનગી કંપની ને સોંપી દીધો છે.
આ દરમ્યાન વીજ વિભાગના કર્મચારીઓએ વિરોધ વ્યક્ત કરતા તેમને પગાર વધારાની લાલચ આપી સરકારી અધિકારીઓ મનાવી લીધા હતાં. જે બાદ તેમનો પગાર નહિ વધતા કર્મચારીઓએ આ અંગે ટોરન્ટ કંપનીમાં રજુઆત કરતા કંપની સરકારી ધારાધોરણ મુજબ અપાતો પગાર જ ચૂકવશે તેવું જણાવતા વીજ વિભાગના કર્મચારીઓએ પગાર વધારાની માંગ સાથે વીજ કચેરીનો ઘેરાવ કરી ધરણા યોજી આક્રોશ ઠાલવ્યો હતો.
વીજ વિભાગના કર્મચારીઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યારે દમણમાં વીજ વિભાગ સરકાર હસ્તક હતું ત્યારથી તેમને 9 હજાર આસપાસ પગાર આપવામાં આવે છે. જેમાં 8 થી 14 કલાક નોકરી કરવી પડે છે. અનેક તકલીફો વેઠવી પડતી હતી. જે વધારવા રજુઆત કરી હતી. જે દરમ્યાન વીજ વિભાગનો અડધો હિસ્સો ખાનગી કંપનીને સોંપી દેતા તેનો વિરોધ કર્યો હતો. ત્યારે વીજ વિભાગના સરકારી અધિકારીઓ ખાતરી આપી હતી કે તેમનો પગાર વધારી દેવામાં આવશે.
જો કે ખાનગી કંપનીએ કોઈ પગાર વધાર્યો નથી. છેલ્લા 15 વરસથી 300 જેટલા વીજ કર્મચારીઓ નું શોષણ થઈ રહ્યું છે. ત્યારે પગાર વધારાની માગ સાથે વીજ કચેરીઓએ આવી રજુઆત કરી છે. જો કે આ રજુઆત ને ખાનગી કંપનીના અધિકારીઓએ સ્વીકારી નથી. એટલે જ્યાં સુધી આ માંગ સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી અમે ધરણા યોજી કચેરીનો ઘેરાવ કરીશું.