by Meroo Gadhvi Auranga Times
વાપીના ચણોદ વિસ્તારમાં આવેલ સાઈ દ્વારકા રેસિડેન્સી નામની કન્સ્ટ્રકશન સાઇટ પર નેપાલી વોચમેનની પત્નીને વીજ કરંટ લાગતા મોતને ભેટી હતી. ઘટનાની જાણ નેપાળી સમાજના લોકોને થતા તેઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને કોન્ટ્રાકટર સાથે વાતચીત કરી ડુંગરા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. ઘટનામાં મહત્વની વાત એ છે કે સવારે 7 વાગ્યે બનેલ ઘટના પર કોન્ટ્રાક્ટરે ઢાંક પિછાડો કરવાના મનસૂબા સેવ્યા બાદ તેમાં સફળતા નહિ મળતા આખરે એક વાગ્યા સુધી મૃતદેહને એક જ રૂમમાં રાખી ડુંગરા પોલીસ સ્ટેશનને અકસ્માત મોતની જાણકારી આપી હતી.
વાપીના ચણોદ ખાતે નિર્માણાધિન સાઈ દ્વારકા રેસિડેન્સી નામની કન્સ્ટ્રકશન સાઇટ પર નેપાલનો હરીશ કિશન નેપાળી તેમની પત્ની સુનિતા સાથે વોચમેન ની અને પાણી છાંટવાનું કામ કરે છે. શુક્રવારે સવારે વોચમેન હરીશ નવી કન્સ્ટ્રકશન સાઈટના ઉપરના માળે પાઇપ દ્વારા પાણી છાંટતો હતો. ત્યારે ગ્રાઉન્ડ ફ્લોરમાં તેની પત્ની સુનિતા રસોઈ માટે પાણી ભરવાનું કહેતા હરિશે ઉપરથી નીચે પાઇપ ફેંક્યો હતો. જેમાં સુનિતાએ પાણી ભરી પરત ફરવા જતા નજીકમાં જ લાગેલ ઈંટ-સિમેન્ટ લઈ જવાની ઇલેક્ટ્રિક ટ્રોલીનો ખુલ્લો વાયર હાથમાં અડી જતા વીજ કરંટ લાગ્યો હતો જેને હોસ્પિટલે ખસેડતા હોસ્પિટલના તબીબોએ મૃત જાહેર કરી હતી.
ઘટનાની જાણ વોચમેનના સગાસંબંધીઓ થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. અને કોન્ટ્રાક્ટરને જાણ કરી હતી. જે બાદ મહિલાના મૃતદેહને એક રૂમ માં રાખી સમાજના આગેવાનોએ કોન્ટ્રાકટર ધીરુ કાતરિયા, પ્રકાશ બલદાણીયા સાથે તેમની ઓફિસમાં આ મામલે મિટિંગ કરી હતી. જેમાં કોન્ટ્રાક્ટરે મૃતક મહિલાના પતિને નજીવી રકમ આપવાની વાત કરી હતી જે સમાજના આગેવાનોએ સ્વીકાર નહિ કરતા અને મામલા પર ઢાંક પિછાડો થઈ શકે તેમ ના હોવાનું જાણતા કોન્ટ્રાક્ટરે આખરે મૃતક મહિલાના પતિને સાથે લઈ 1 વાગ્યે ડુંગરા પોલીસ મથકે જઇ પોલીસને જાણકારી આપી હતી. ડુંગરા પોલીસે આ મામલે જાણવા જોગ ફરિયાદ નોંધી છે.
ઉલ્લેખનીય છે કે મૃતક મહિલાને 1 વર્ષનું નવજાત શિશુ હોય હાલ તે માતાની છત્રછાયા ગુમાવી બેસયું છે. જ્યારે મૃતક મહિલાના પતિએ અને સમાજના આગેવાનોએ સમગ્ર મામલે કોન્ટ્રાકટર સાથે સમાધાનનું વલણ અપનાવી કોઈ આરોપ કે બેદરકારી ના આક્ષેપ કર્યા નથી. પરંતુ આ ઘટના મામલે ઇલેક્ટ્રિક ટ્રોલી ચાલુ નહોતી તો પછી તેને જે વાયરમાંથી વીજ સપ્લાય મળતો હતો તે વાયરની સ્વીચ કેમ કોઈએ બંધ ના કરી અને આ અંગે કોન્ટ્રાક્ટરે કેમ સતર્કતા ના દાખવી તેવા સવાલ સમાજના અગેવાનોમાં ઉઠ્યા હતાં.