ઉમરગામ તાલુકામાં છેલ્લા 25 વરસથી ધારાસભ્ય પદે રહેલા અને સતત વિકાસના બણગાં ફૂંકતા રમણલાલ પાટકર સહિત રાજકીય આગેવાનો સામે તાલુકાના તૂંબ ગામના આહીર ફળિયાના લોકોએ આક્રોશ ઠાલવી ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. રોડ નહીં તો વોટ નહીંના બેનરો લગાવી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવતા રાજકારણીઓમાં ફફડાટ ફેલાયો છે.
તુંબ ગામે જરૂરી વિકાસ કાર્યો પંચાયત દ્વારા કરવામાં ન આવતા હોવાના આક્ષેપો કરી ચૂંટણી બહિષ્કારની ચિંમકી સ્થાનિકો દ્વારા આપવામાં આવી છે. પાકા રોડની સમસ્યાને લઈ છેલ્લા 19 વર્ષથી સ્થાનિકો વલખાંઇ રહ્યા હોવાના આક્ષેપો કરી રહ્યા છે. અગાઉ 2003માં તૂંબમાં પંચાયત દ્વારા એકવાર પાકો રોડ બન્યા બાદ આજદિન સુધી રોડનું કામ ન થતાં ગામજનોમાં આક્રોશ ફાટ્યો છે.
છોકરાઓને શાળાએ જવાનું હોય તો રેલવે ટ્રેક ઓળંગીને જીવના જોખમે જવું પડે છે. વિસ્તારમાં કોઈના લગ્ન પ્રસંગ હોય તો પણ ગામની બહાર કોઈ હોલ ભાડે રાખીને લગ્ન કરવા પડે છે. ઇમર્જન્સીમાં ગામના કોઈ વ્યક્તિને હોસ્પિટલ લઈ જવા હોય તો દવાખાના પહોચે તે પહેલા જ માણસ અત્યંત ખખળધજ કાચા રસ્તા ઉપર જ જીવ ગુમાવે તેવી ગંભીર સમસ્યા ઉદભવતા વારંવાર પંચાયત અને સબંધિત અધિકારીઓને લેખિત અને મૌખિક જાણ કરવા છતાં કોઈ નક્કર કામગીરીનું પગલું ન ભરવામાં આવતા અંતે સ્થાનિકોએ સ્વૈચ્છિક ચૂંટણીનો અને મતદાનનો સામૂહિક બહિષ્કાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ગામના આહીર ફળિયાના લોકોએ ગામમાં બેનરો લગાવ્યા છે કે, રોડ રીપેરીંગ નહિ તો વોટ નહિ, ચૂંટણી બહિષ્કાર….. બેનરમાં ગામલોકોએ રાજકીય આગેવાનોને ઉદ્દેશીને લખ્યું છે કે, કોઈપણ પક્ષના કાર્યકરોએ ચૂંટણીનો પ્રચાર કરવા ગામ માં આવવું નહિ….. અમારી માંગણી નહિ સંતોષાઈ ત્યાં સુધી અમે ચુંટણી નો સંપૂર્ણ બહિષ્કાર કરીએ છીએ….. તો આ જ પ્રકારના અલગ અલગ બેનર સાથે ગામલોકોએ પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે.