Friday, January 31News That Matters

વાપી-દમણમાં કરોડોની જમીન ધરાવતા RMCLમાં EDનું સર્ચ ઓપરેશન, 53 લાખ લોકો સાથે કર્યું છે 20,000 કરોડનું કપટ

દમણ :- દમણમાં રાધા માધવ કોર્પોરેશન લિમિટેડ પર ED ની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે, અનિલ અગ્રવાલ મુંબઈમાં, મિતેષ અગ્રવાલ દિલ્હીમાં અને અભિષેક અગ્રવાલ પટનામાં હોવાની ચર્ચા થઈ રહી છે. RMCL ના અગ્રવાલ પરિવાર પહેલેથી જ જાગૃત હતો કે તેમની સામે કોઇ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. કદાચ તેથી જ પિતા અને તેના પુત્રો બંને દમણની બહાર નીકળી ગયા છે.

 

 

પશ્ચિમ બંગાળમાં જેમ શારદા કૌભાંડે ચકચાર જગાવી હતી. તેટલું જ મોટું કૌભાંડ RMCLનું છે. રાધા માધવ કોર્પોરેશન લિમિટેડનું કૌભાંડ 20,000 કરોડનું હોવાની વાત આ કંપની દ્વારા છેતરાયેલા લોકો કરી રહ્યા છે. જો કે EDની તપાસ પૂર્ણ થયા બાદ જ સત્ય હકીકત લોકોની સામે આવશે પરંતુ હાલમાં અનિલ અગ્રવાલ અને mitesh agrawal દ્વારા છેતરપિંડીનો ભોગ બનનાર લાખો લોકોને ED પર પૂરો વિશ્વાસ છે કે આ તપાસ એજન્સી તેમની મહેનતની કમાણી પિતા અને પુત્ર પાસેથી ફરીથી પરત મેળવવામાં સફળતા અપાવશે

 

ડાયરેક્ટ સેલિંગ અને નેટવર્કિંગના નામે રૂપિયા ડબલ કરવાની સ્કીમ બતાવી લોકો સાથે કપટ કરનાર તેમજ દમણના અનેક ગરીબ ખેડૂતોની જમીન પચાવી પાડી સિંગાપુર, દુબઈમાં કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરનાર RMCL (Radha Madhav Corporation Limited) ના અનિલ અગ્રવાલ અને મિતેશ અગ્રવાલની કોર્પોરેટ ઓફીસ અને નિવાસસ્થાને ED એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અગ્રવાલ પરિવારે અંદાજિત 20 હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાની શક્યતા આધારે આ રેઇડ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ અગ્રવાલ પરિવારે સ્કીમ પ્રમાણે એક વ્યક્તિએ કંપનીમાં અઢી લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવાથી પહેલા તેઓને 20 હજાર રૂપિયાનો સામાન મળશે અને ત્યારબાદ બે વર્ષ સુધી દર મહિને 24,500 ₹ આપવા જણાવાયું હતું. કંપનીએ બેથી ત્રણ માસ સુધી લોકોના ખાતામાં રૂપિયા જમા પણ કરાવ્યા હતા. જોકે ત્યારબાદ રૂપિયા આપવાનું બંધ કરતા લોકોને છેતરાઇ ગયા હોવાની જાણ થઇ હતી.
રાધામાધવ કોર્પોરેશન લિમીટેડના માધ્યમથી મિતેશ અગ્રવાલે લાખો લોકોને જણાવેલ કે, નેટવર્કિંગ અને ડાયરેકટ સેલિંગ ખૂબ જ સારો બિઝનેસ છે. જયાં કોઇપણ વ્યક્તિ રૂપિયાની કમાણી કરી પોતાની જિંદગી બદલી શકે છે. તેમજ મિતેશ અગ્રવાલે લોકોને પૈસા ડબલ કરી આપવાની લાલચ આપતા લોકો તેની વાતમાં આવી ગયા હતા. દેશના 53 લાખ લોકો એવા છે કે, જેઓ આ જાળમાં ફસાયા છે.
હાલ આ અંગે ED દ્વારા કોઈ વિગતો આપવામાં આવી નથી. પરંતુ શુક્રવારથી ઇડીના અધિકારીઓનો કાફલો રાધા માધવ કોર્પોરેશન લિમિટેડની કોર્પોરેટ ઓફિસ અને અનિલ અગ્રવાલના નિવાસસ્થાન પર સઘન તપાસ કરી રહી છે. જો કે અનિલ અગ્રવાલ અને મિતેષ અગ્રવાલને તેમજ અભિષેક અગ્રવાલને આ અંગે પહેલેથી જ ગંધ આવી જતા તેઓ હાલ દમણની બહાર હોવાનું જણાવાયું છે.
RMCLની શરૂઆત 2014માં થઈ હતી. જેના દ્વારા મેળવેલા રૂપિયા અનિલ અગ્રવાલે તેના બાંગ્લાદેશી સબંધીની મદદથી સિંગાપુર અને દુબઈ મોકલ્યા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. પરંતુ હવે ઇડીની એન્ટ્રીથી અનિલ અગ્રવાલ અને મિતેશ અગ્રવાલે વિશ્વના કોઈપણ ખૂણામાં પૈસા મોકલ્યા હશે તો તેઓ નાણાં પાછા લાવશે તેવો વિશ્વાસ નાણાં ગુમાવનાર લોકોમાં જાગ્યો છે.
દમણમાં છેલ્લા સાડા ત્રણ દાયકાથી ભૂમાફિયા બનીને સેંકડો ખેડૂતોની જમીન પચાવી પાડનાર અનિલ અગ્રવાલ એક્સાઇઝ, વેટ વિભાગની રેઇડ દરમ્યાન પોતે બિમાર હોવાનું બહાનું બતાવી હોસ્પિટલમાં દાખલ થાય છે. આ વખતે પણ એની તપાસ શરૂ થઈ ગઈ છે તેથી કદાચ આ વખતે પણ તે કોઈ બહાનું બનાવીને હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે તેવી શંકા પણ ભોગ બનનારમાં ઉઠી છે.

 

દમણની રાધા માધવ કોર્પોરેશનમાં ED (Enforcement Directorate)વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધરી કેટલાક દસ્તાવેજ અને ડિજીટલ ડેટા કબજે કર્યા હોવાની માહિતી મળી  છે. આ કંપનીના સંચાલક અગ્રવાલ પરિવાર સામે સમગ્ર દેશમાં નેટવર્કિંગ અને ચીટફંડ થકી 53 લાખ લોકો પાસેથી 20 હજાર કરોડની ઠગાઇ કરી હોવાના આક્ષેપ છે. શુક્રવારથી EDના અધિકારીઓએ દમણમાં તેમની ઓફિસમાં અને નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાની અને આગામી દિવસોમાં આ મામલે મોટો ઘટસ્ફોટ કરશે તેવી શકયતા સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *