વાપીમાં બની રહેલ નવા ઓવરબ્રિજ અને અન્ડરપાસ ના ઠપ્પ કામકાજ સાથે ઝંડાચોક પર PWD દ્વારા લગાવેલ બેરીકેડથી સ્થાનિક દુકાનદારો પરેશાન હતાં. જે સ્થળની વાપી ડિવિઝનના DySP બી. એન. દવેએ સ્થળ મુલાકાત લઈ, કોન્ટ્રકરને તેમનો માલસામાન હટાવવા સૂચના આપતા દુકાનદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે આ તમામ માલસામાન અને બેરીકેડ હટાવાથી ટ્રાફિક સમસ્યા પણ હળવી બનશે.આ અંગે વાપી ડિવિઝનના DySP બી. એન. દવેએ જણાવ્યું હતું કે, વાપીને ઇસ્ટ-વેસ્ટ સાથે જોડવા અહીં પહેલા એક ઓરબ્રિજ હતો. જેના પરથી વાપી, દમણના વાહનચાલકો પસાર થતા હતાં. ટ્રાફિકથી ધમધમતા આ ROB ને વધુ સુવિધાજનક બનાવવા હાલમાં તેને તોડી પાડી તેના સ્થળે નવા ROB અને RUB નું કામકાજ હાથ ધરાયુ છે. પરંતુ, ચોમાસાને કારણે કામકાજ ઠપ્પ છે. તો, વાપી ઝંડાચોક વિસ્તારમાં PWD દ્વારા બેરીકેડ લગાવી તેમાં કોન્ટ્રકટર નો માલસામાન પડેલો હોય તેનાથી સ્થાનિક દુકાનદારો પરેશાન હતાં. જે ધ્યાને આવ્યા બાદ તેનું નિરાકરણ લાવવા વાપી ટાઉન PI કે. જે. રાઠોડ અને નગરપાલિકાના ઇજનેર સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી. સ્થાનિક દુકાનદારોની સમસ્યા સાંભળી હતી. જે બાદ ROB/RUB ના કોન્ટ્રાક્ટરને સ્થળ પર બોલાવી હાલમાં જ્યાં સુધી કામકાજ બંધ છે. તેટલા દિવસ તેમનો માલ સામાન અને બેરીકેડ ખસેડી લેવા સૂચના આપી હતી. તહેવાર ટાણે આ સમસ્યાનું નિરાકરણ લાવતા દુકાનદારોએ પણ ખુશી વ્યક્ત કરી DySP બી. એન. દવે સાહેબનો આભાર માન્યો હતો. સ્થાનિક દુકાનદાર અને હોટલ માલિક એવા ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું કે આ મુશ્કેલી અંગે ઘણી રજૂઆત કરી હતી. બે વર્ષથી કામ ચાલતું હોય અનેક સમસ્યા હતી. હાલમાં તેનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. ગંદકીની સફાઈ થઈ ગઈ છે અને બેરીકેડ સહિતનો માલ સામાન હટાવવામાં આવશે. જેનાથી દુકાનદારોને વેપાર ધંધામાં ફાયદો થશે. સાથે જ ટ્રાફિકની સમસ્યામાં અનેકગણી રાહત મળશે.ઉલ્લેખનીય છે કે, ઝંડાચોક ખાતે PWD દ્વારા લગાવેલ બેરીકેડથી તેમાં ગંદકી ખદબદતી હતી. માખી, મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાની દહેશત ઉભી થઇ હતી. ધંધો ઠપ્પ થયો હતો. ટ્રાફિકની સમસ્યા હતી. હવે તે તમામ સમસ્યામાંથી દરેકને રાહત થઈ છે.