Thursday, November 21News That Matters

દમણમાં ‘ઇન્ડસ્ટ્રીયલ એક્સપો’માં પિયુષ ગોયલના ભાષણ દરમ્યાન લાઈટ ગુલ, ઉદ્યોગકારો, નેતાઓને 5 કલાક બેસાડી રાખ્યા, વ્યવસ્થામાં સર્જાઈ અવ્યવસ્થા!

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતોના ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી પિયુષ ગોયલે રવિવારે દમણમાં એક સપ્તાહ માટે આયોજિત ઉન્નતિ #DNH&DD ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2022 નું ઉદ્ઘાટન કર્યું હતુ. આ કાર્યક્રમમાં અનેક છબરડા થયા હતાં. જે ઉદ્યોગકારો અને નેતાઓ તેમની AC ચેમ્બરમાં 2 મિનિટ માટે પણ કોઈની રાહ નથી જોતા તે ઉદ્યોગકારો, નેતાઓએ અહીંના ડૉમમાં મને-ક-મને 5 કલાક સુધી બેસી રહેવું પડયું હતુ. તો, વ્યવસ્થાના નામે પણ એક્સપો માં અવ્યવસ્થા સર્જાઈ હતી જેમાં પિયુષ ગોયલના ચાલુ ભાષણ દરમ્યાન લાઈટ ગુલ થતા અધિકારીઓ દોડતા થયા હતાં.
દમણમાં પ્રશાસન દ્વારા 8 મી મેં થી 16 મી મેં સુધી ઉન્નતિ # DNH & DD ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2022 નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોનું ઉદ્ઘાટન કરવા આવેલા ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ નિયત સમયથી એક કલાક મોડા પધાર્યા હતા. જ્યારે આમંત્રિત ઉદ્યોગકારો, નેતાઓને 2 કલાક વહેલા આમંત્રિત કર્યા હતાં. એક કલાક માં પૂર્ણ થનાર ઉદઘાટન કાર્યક્રમ પ્રશાસક પ્રફુલ પટેલ અને પિયુષ ગોયલની લાંબી ભાષણ બાજીમાં 3 કલાક લંબાયો હતો. સતત પાંચ કલાક સુધી ચાલેલા કાર્યક્રમમાં આખરે કંટાળેલા આમંત્રિત મહેમાનોએ બહાર નીકળવા જતા સિક્યુરિટીએ રોકવાની કોશિશ કરી હતી. અને તે બાદ હોબાળો થતો જોયા બાદ પિયુષ ગોયલે તેમની ભાષણ બાજીને વિરામ આપી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો.
દમણના ઇતિહાસમાં પ્રશાસક પ્રફુલ પટેલ હંમેશા કઈંક નવું કરતા આવ્યા છે. તેમના શાસન કાળમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દિવ વિકાસની દૌડ માં છે. આ આભા ને પ્રતિભામાં ફેરવવા તે સતત કડકાઈ ભર્યા અને ક્યારેક સરમુખત્યાર ની છાપ સુધીના નિર્ણયો લેતા રહ્યા છે. કંઈક આવી જ છાપ આ સાપ્તાહિક ઉન્નતિ # DNH & DD ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2022 માં પણ જોવા મળી છે.
‘DAZZLING DDD’ (ઝાકમઝોળ) સાથે આયોજિત એક્સપોમાં નિયત કરેલા સ્ટોલ બુક થયા નથી. એટલે આખરે ઉદ્યોગકારો ને લાઈટ-પાણી કાપવાની ગર્ભિત ચેતવણી આપી સ્ટોલ બુક કરાવ્યા છે. જો કે ફ્લોપ શૉ ને હાઉસફુલ શૉ માં કન્વર્ટ કરવામાં માહેર પ્રફુલ કાકાના આદેશ બાદ કાર્યક્રમને સફળ બનાવવા અધિકારીઓએ તનતોડ મહેનત કરી છે.
તેમ છતાં પ્રથમ દિવસે જ કાર્યક્રમ ફ્લોપ શૉ સાબિત થયો છે. ઉદ્ઘાટન પ્રસંગે મહેમાનો માટે પાર્કિંગની વ્યવસ્થાથી લઈને પાણીની વ્યવસ્થા સુધીમાં અનેક અવ્યવસ્થા સર્જાઈ હતી. ડૉમ માં મંત્રીની સામે ખીચોખીચ ની હાજરી દર્શાવવા નેતાઓ, ઉદ્યોગકારોને 2 કલાક વહેલા પહોંચવા તાકીદ કરી હતી. આખા કાર્યક્રમની વિગતો જોઈએ તો કાર્યક્રમ સ્થળથી ખાસ્સું દૂર પાર્કિંગ નક્કી કરાયું હતું. ઠેરઠેર પોલીસ જવાનો તૈનાત કરતા તેઓએ રીતસરની તેમની મનમાની ચલાવી હતી. જે બાદ કાર્યક્રમ સ્થળ પર પણ ડૉમ માં બેઠક વ્યવસ્થામાં બેસ્યા બાદ બહાર જવા દેતા રોકવામાં આવ્યાં હોય ઉદ્યોગકારો અકળાયા હતાં. કાળઝાળ ગરમીમાં ડૉમ માં AC ની વ્યવસ્થા કરી પણ કુલિંગ ના અભાવે આમંત્રિતો પરસેવાથી અકળાયા હતાં.
સતત દોડધામ કરતા અધિકારીઓ પણ થાકીને જ્યાં જગ્યા મળી ત્યાં આરામ કરવા બેસી ગયા હતાં. આવી અવ્યવસ્થા વચ્ચે એકાદ કલાક મોડી પિયુષ ગોયલ અને પ્રફુલ પટેલે એન્ટ્રી મારી હતી. જે બાદ સતત કાર્યક્રમ લંબાયો હતો. એમાં પણ પિયુષ ગોયલના સંબોધન વખતે લાઈટ ગુલ થઈ હતી. જો કે તે બાદ વીજ પુરવઠો પૂર્વવત થતા પિયુષ ગોયલે તેની ભાષણ બાજીને ટોપ ગિયરમાં નાખી દેતા 5 કલાકથી બેસેલા આમંત્રિત મહેમાનો પૈકી કેટલાકે બહારનો રસ્તો શોધવા જતા તેને સિક્યુરિટીએ કાકાના આદેશ મુજબ અટકાવવા જતા તુતું મૈં મૈં થઈ હતી જે જોઈને અભેદ્ય કિલ્લામાં ભારતના વિકાસની ગાથા વર્ણવતા ઉદ્યોગ પ્રધાને સમય વર્તે સાવધાન ની મુદ્રા માં ભાષણ ને વિરામ આપ્યો હતો. અને 5 કલાકથી અકળાયેલા આમંત્રિત ઉદ્યોગકારો, નેતાઓ, ફરજમાં રહેલા અધિકારીઓએ, કવરેજ કરવા આવેલા મીડિયા કર્મીઓએ રાહત નો શ્વાસ લઈ દૂર પાર્કિંગમાં મુકેલ વાહનો તરફ દૌડ લગાવી હતી.
 
ઉલ્લેખનીય છે કે અનેક અવ્યવસ્થાઓ વચ્ચે મોટી દમણમાં લાઈટ હાઉસ નજીક રામ સેતુ બીચ પર વિશાળ ડોમ તૈયાર કરી 16 મી મેં સુધી આયોજિત ઉન્નતિ #DNH&DD ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2022, DAZZLING DDD માં દાદરા નગર હવેલી અને દમણ-દિવમાં કાર્યરત ઉદ્યોગકારોએ પોતાની પ્રોડક્ટ પ્રદર્શન કમ વેંચાણ માટે મૂકી છે. અને કાકાએ કરેલું આયોજન એટલું અદભુત છે કે એકવાર તો દમણ, DNH સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોએ, નેતાઓએ, સામાન્ય નાગરિકોએ મુલાકાત લેવી આવશ્યક છે. “જબ દેખોગે હી નહિ તો પતા કૈસે ચાલગા”?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *