વલસાડ જિલ્લામાં દાનવીર દાતા તરીકે જાણીતા અને હાલમાં સેલ્યુટ તિરંગા નામની સંસ્થામાં નેશનલ જનરલ સેક્રેટરીનું પદ શોભાવતા ઉત્તમભાઈ પટેલે પોતાની જન્મભૂમિ એવા પારડીના ડુંગરી ગામે સ્વર્ગીય પિતાના સ્મરણાર્થે શ્રી રામ ક્રિકેટ ગ્રાઉન્ડમાં અદ્યતન પેવેલિયન બનાવી જન્મભૂમિનું ઋણ ચુકાવ્યું છે. આ પેવેલિયનનું 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના દિવસે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
રવિવારે 26મી જાન્યુઆરી 2025નો દિવસ ડુંગરી ગામ સહિત આસપાસના ગામોના ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશીનો દિવસ હતો. આ દિવસે આ જ ગામમાં જન્મેલા અને હાલમાં સેલ્યુટ તિરંગા નામની સંસ્થામાં નેશનલ જનરલ સેક્રેટરીનું પદ શોભાવતા ઉત્તમભાઈ પટેલે આધુનિક પેવેલિયનની ભેટ આપી હતી.
આ પ્રસંગે ઉત્તમભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેઓ આ ગામના વતની છે. ડુંગરી ગામે 2002 થી તેઓ આ સ્ટેડિયમની સતત માવજત કરતા રહ્યા છે. આજે એ જંગલમાંથી મંગલ બન્યું છે. આ ગામ પોતાની જન્મભૂમિ પણ હોય ક્રિકેટ સ્ટેડિયમમાં હંમેશા પોતાનો સહયોગ આપતા રહ્યા છે. જેમાં હાલમાં આ ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાના પિતા સ્વર્ગીય છીબાભાઈ જીવણભાઈ પટેલના સ્મરણાર્થે શ્રી રામ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પેવેલીયન બનાવ્યું છે. કુલ 5.11 લાખના અનુદાનમાંથી બનેલ આ પેવેલિયનનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આ પેવલિયન માટે વિશેષ યોગદાન આપતા રહેલા ડુંગરી ગામના સરપંચ રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ડુંગરી ગામના શ્રી રામ ક્રિકેટ ગ્રાઉન્ડને આજે ખૂબ જ આધુનિક રૂપ મળી ચૂક્યું છે. આ માટે ઉત્તમભાઈ દ્વારા જે દાન મળ્યું છે તે માટે ક્રિકેટ પ્રેમીઓ જ નહીં ગામના દરેક નાગરિકો પણ તેમનો ખૂબ જ આભાર માને છે.
ઉલ્લેખનીય છે કે, પેવેલિયન ના ઉદ્ઘાટન સાથે આ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ડુંગરી પ્રીમિયર લીગ સિઝન 5 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 જેટલા ક્રિકેટ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઇનલમાં વિજેતા બનેલા ટીમ અને રનર અપ રહેલી ટીમના ખેલાડીઓને વિવિધ રોકડ પુરસ્કાર, ટ્રોફી, મેડલ્સ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ બેટિંગનો લ્હાવો લીધો હતો. અને ક્રિકેટ સ્ટેડિયમને વધુ સુવિધાયુક્ત બનાવવા 10 લાખ જેવી માતબર રાશિનું દાન આપવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે DPL-V ટુર્નામેન્ટના સ્પોન્સર્સ, સેલ્યુટ તિરંગાને પેટ્રોન શિવજી મહારાજ, નેશનલ પ્રેસિડેન્ટ સેલ્યુટ તિરંગાના ડો. રાજેશ ઝાં, સહિત ગણમાન્ય અતિથિઓ, ઉદ્યોગકારો તેમજ મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.