Thursday, December 26News That Matters

હાઇવે ઓથોરિટીના પાપે બલિઠાવાસી વાહનચાલકો વલસાડ ટ્રાફિક પોલીસની ડ્રાઈવમાં દંડાયા!

વલસાડ જિલ્લામાં વાપી નજીક બલિઠા ખાતે હાઇવે નંબર 48 પર મામલતદાર કચેરી સામે સોમવારે સાંજે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ વલસાડે રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે કાયદાનો દંડો ઉગામ્યો હતો. જેમાં અહીં સર્વિસ રોડના અભાવે અને હાઇવે ઓથોરિટીના પાપે લાંબો ચકરાવો મારવાનું ટાળી રોંગ સાઈડ પર આવજા કરતા વાહનચાલકો પાસેથી ટ્રાફિક પોલીસે દંડ ની રકમ વસુલ કરી હતી.

દક્ષિણ ગુજરાતમાં સુરત રેન્જ IG ના આદેશ બાદ હાઇવે નંબર 48 પર ખાસ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં વલસાડથી લઈને ભિલાડ સુધી હાઇવે પર સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા આ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં હાઇવેને સમાંતર સર્વિસ રોડ પર રોંગ સાઈડ આવતા વાહનચાલકો તેમજ લાયસન્સ વિનાના, હેલ્મેટ નહિ પહેરનાર, સીટ બેલ્ટ નહી બાંધનારા વાહનચાલકો સામે મોટર વ્હિકલ એક્ટ હેઠળ મેમો આપી દંડ વસુલવામાં આવી રહ્યો છે.

આવી જ કામગીરી સોમવારે સાંજે વાપી નજીકના બલિઠા ખાતે મામલતદાર કચેરી સામેં થતા અકસ્માતોને ધ્યાને રાખી હાથ ધરવામાં આવી હતી. જેમાં વાહનચાલકો હાઇવે ઓથોરિટીના પાપે દંડાયા હતાં. કેમ કે અહીં બલિઠામાં મામલતદાર કચેરી સામે હાઇવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડની કામગીરી પુરી કરવામાં આવી નથી. તેમજ હાઇવે પરથી બલિઠાના ઇસ્ટ વિસ્તારમાં જવા કોઈ ફાંટો આપવામાં આવ્યો નથી. એટલે બલિઠા ઇસ્ટ વિસ્તારમાં રહેતા અંદાજિત 10 હજારથી વધુ વહનચાલકોએ ના છૂટકે રોગ સાઈડ પર પોતાના વાહનો ચલાવવા પડે છે.

હાઇવે ઓથોરિટીના પાપે સાંજના સમયે પોતાનાં ઘર તરફ રોંગ સાઈડમાં આવતા વાહનચાલકો દંડાયા હતા. બલિઠા ઇસ્ટમાંથી આવતા જતા વાહનચાલકો જો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો તેઓએ અડધા કિલોમીટર ને બદલે અંદાજિત ત્રણેક કિલોમીટરનો જકાતનાકા થી છેક સલવાવ સ્વામિનારાયણ સ્કૂલ સુધીનો લાંબો ચકરાવો મારવો પડે, જે હાલના ભડકે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં પરવળે તેમ નથી કેમ કે આ વિસ્તારમાં મોટેભાગે સામાન્ય મજૂર વર્ગ અને ગેરેજના કે ટ્રાન્સપોર્ટમાં નોકરી ધંધા કરતા નાગરિકો વસવાટ કરી રહ્યા છે. જેઓને રોંગ સાઈડ આવતા જોઈ ટ્રાફિક પોલીસે અટકાવ્યા હતાં.

જેમાંના કેટલાક પાસે તો દંડ ભરવાના પૈસા પણ ના હોય અને તેમની રોંગ સાઈડ આવવાની મજબૂરી જાણ્યા બાદ ટ્રાફિક જવાનોએ ના છૂટકે રહેમદિલી રાખવી પડી હતી. આશા રાખીએ કે અહીં હાઇવે ઓથોરિટીએ અધૂરો છોડી દેવાયેલ સર્વિસ રોડ પૂર્ણ કરે જેથી રોંગ સાઈડે આવતા વાહનચાલકો અકસ્માતથી તો બચશે સાથોસાથ ટ્રાફિકના નિયમોનું પાલન કરી દંડાતા પણ બચી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *