વાપી નજીક દમણ ગંગા નદીના પુલ પર સુરત થી મુંબઈ તરફ જતું દવાની બોટલ ભરેલ એક કન્ટેઇનર પલ્ટી મારી દમણગંગા નદીના પુલ પરથી નીચે લટકી ગયું હતું. કન્ટેઇનર લટકી જતા તેમાં સવાર ડ્રાઇવર ટ્રકમાંથી નીચે જમીન પર પટકાયો હતો જેને ગંભીર ઇજા પહોંચી હોય, વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.
ઘટના અંગે મળતી વિગતો મુજબ સુરતના કોસંબા ખાતેથી બે કન્ટેઇનરને દવાની બોટલો ભરી મુંબઈ તરફ રવાના કર્યા હતા. મુંબઈ તરફ જતા આ બંને કન્ટેઇનર પૈકી કન્ટેઇનર નંબર DD03-P-9642 નું ટાયર વાપી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર દમણ ગંગા નદીના પુલ પાસે ફાટ્યું હતું. જેથી કન્ટેઇનર ચલાવી રહેલ ડ્રાઇવર નિરવેલ સિંઘ તરમસિંઘે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અને ટ્રક પુલની રેલિંગ તોડી ડિવાઇડર સાથે અથડાઇ નીચે તરફ 2 પુલ વચ્ચે લટકી ગયું હતું. આ ઘટનામાં મૂળ મુંબઈનો ટ્રક ડ્રાઇવર નિરવેલ સિંઘ ટ્રકની કેબિનમાંથી જમીન પર પટકાયો હતો.


અકસ્માતની જાણ સાથે નીકળેલ અન્ય કન્ટેઇનર ના ડ્રાઈવરને થતા તેમણે ટ્રક થોભાવી ઘટના સ્થળે આવી પરિસ્થિતિ અંગે વાપી GIDC પોલીસ ને તેમજ 108ની ટીમને જાણ કરી હતી. 108ની મદદ વડે કન્ટેઇનર ચાલકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક ટ્રક ડ્રાઇવર દાહોદની ગુજરાત ગ્લાસ કંપનીમાંથી વોરા ટ્રાન્સપોર્ટ કંપનીનું કન્ટેઇનર DD-03-P-9642 માં કાચની બોટલો ભરીને મુંબઇ પોર્ટ ઉપર જઇ રહ્યું હતું. જે દરમ્યાન વાપી દમણ ગંગા નદીના બ્રિજ નજીક આ કમકમાટી ભરી ઘટના બની હતી.

ઉલ્લેખનીય છે કે અકસ્માતની આ ઘટના બાદ હાઇવે પર સુરત મુંબઈ તરફના લેન પર 2 થી અઢી કલાક ટ્રાફિક જામ થયો હતો. જ્યારે ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડવા સાથે GIDC પોલીસે ક્રેન મંગાવી કન્ટેઇનરને 2 પુલ વચ્ચેથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ મૃતક ડ્રાઈવરના મૃતદેહને ચલા PHC ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.