વાપીના જલારામ મંદિર સામે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ઉભેલા એક ટેન્કર પાછળ ટેમ્પો ચાલકે ધડાકાભેર ટેમ્પો અથડાવી મારતા અકસ્માત બાદ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ઘટનામાં આગની વિકરાળ જ્વાળામાં ટેમ્પો માં જ ફસાઈ ગયેલ ડ્રાઇવર ભડથું થઈ જતા અરેરાટી મચી ગઇ હતી.
ઘટના અંગે વાપી ફાયર વિભાગ તરફથી મળતી વિગતો મુજબ રવિવારે મળસ્કે 4 વાગ્યા બાદ કોલ આવ્યો હતો કે, જલારામ મંદિર સામે મુંબઈ અમદાવાદ હાઇવે પર એક ટેન્કર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ભીષણ આગ ભભૂકી ઉઠી છે. એટલે ફાયરની 3 ગાડીઓ રવાના કરાઈ હતી. ઘટના અંગેની પ્રાથમિક વિગતમાં હાઇવે પર પાર્ક થયેલ ટેન્કરને એક ટેમ્પોએ પાછળની ટક્કર મારી હતી. જેમાં ટેન્કરમાં જ્વલનશીલ કેમિકલ ભર્યું હોય તે લીકેજ થતા ટેમ્પામાં આગળના ભાગે આગ લાગી હતી. આગને કારણે ટેમ્પોનો ડ્રાઇવર બહાર નીકળી શક્યો નહોતો અને ટેમ્પોમાં જ બળી જતા મોતને ભેટ્યો હતો.
આગની ઘટનામાં ફાયરના જવાનોએ સવારના 6:30 વાગ્યા સુધી પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. વહેલી સવારે મળસ્કે લાગેલી આગને કારણે હાઇવે પર પસાર થતા વાહનોનો ટ્રાફિક જામ થવા સાથે અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ વાપી ટાઉન પોલીસને થતા પોલીસની એક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. વાપી પાલિકાના ફાયરના જવાનોએ સમય સુચકતા વાપરી 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જે બાદ બંને વાહનો અંગેની વધુ વિગતો તેમજ મૃત્યુ પામેલા ડ્રાઇવરની ઓળખ સહિતની વિગતો અંગે ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.