વાપી નજીક આવેલ મોરાઈ ફાટક રેલવેના ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર પ્રોજેકટની કામગીરીમાં 6 મહિના સુધી બંધ કરી વાહનવ્યવહાર બલિઠા ફાટક તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેનું સ્થળ નિરીક્ષણ કરવા રેલવે, જિલ્લા વહીવટી તંત્રની ટીમ પહોંચી હતી. ત્યારે, ઉપસ્થિત ઉદ્યોગકારોએ ટ્રાફિકની સમસ્યાઓને લઈને ટાઉન PI બી. જે. સરવૈયા સામે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારતા PI સરવૈયાએ મોરાઈના ઉદ્યોગકારોની શાન ઠેકાણે લાવતી ચેતવણી આપી હતી.
મોરાઈ ફાટક બંધ થવાથી દમણ તરફનો વાહનવ્યવહાર હાલ બલિઠા ફાટક તરફથી હાઇવે પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ માર્ગ સાંકડો હોય ટ્રાફિક જામની અને ઇમર્જન્સી આવગામનની સમસ્યા ઉભી થઇ છે. ત્યારે, બુધવારે બલિઠા રેલવે ફાટક પર બ્રિજની કામગીરી અને ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઇ વિભાગના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જ્યાં ઉપસ્થિત મોરાઈ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના આગેવાનોએ અધિકારીઓ પર રોષ ઠાલવ્યો હતો. તેમજ ટાઉન PI સરવૈયા સાથે ટ્રાફિકને લઈને જીભાજોડી કરી હતી.
ઉદ્યોગકારોએ બલિઠા ફાટક પર બનનાર ઓવર બ્રિજનું કામ ટલ્લે ચડ્યું છે. મોરાઈ ફાટક બંધ થવાથી અહીં ફાટક પર જ્યારે જ્યારે ટ્રેનના આવાગમન સમયે ફાટક બંધ કરવામાં આવશે ત્યારે વાહનોની લાંબી કતારો લાગશે અને હાઇવે પર ટ્રાફિક જામ થશે. જો તેનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉદ્યોગકારો પોતે ચક્કાજામ કરશે તેવી ચીમકી PI સરવૈયા સામે ઉચ્ચારતા PI સરવૈયાએ ઉદ્યોગકારોની શાન ઠેકાણે લાવતી ચેતવણી આપી હતી કે ખોટી વાત ના કરો કાયદેસરની વાત કરો….. ખોટી વાત કરશો અને ટ્રાફિક જામ કરવાની વાત કરશો તો પોલીસ પગલાં ભરશે…. તેમાં પોલીસ અને ઉદ્યોગકારો આમને સામને આવશે…….
ઉદ્યોગકારોની એલફેલ વાતો સાંભળી PI સરવૈયાએ MIA ના ઉદ્યોગકારોને આડે લીધા હતાં. PI સરવૈયાએ ઉદ્યોગકારોને ચેતવણી આપી હતી કે, ટ્રાફિક નિયમનનું કામ પોલીસનું છે. એમાં ખલેલ કરશો તો પોલીસ કાર્યવાહી કરશે. સરવૈયાનું કડક વલણ જોતા MIA ના ઉદ્યોગકારોની બોલતી બંધ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે બલિઠા ફાટકની સ્થળ મુલાકાત અને પ્રશ્નોના નિરાકરણ પ્રસંગે રેલવેના અધિકારીઓ, PWD ના અધિકારી, વલસાડ પ્રાંત અધિકારી, DGVCL ના અધિકારી, વાપી પોલીસ સ્ટેશનના PI સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારે MIA ના ઉદ્યોગકારો જાણે પોતે જ સરકારના માય-બાપ હોય તેવો તોછડો વ્યવહાર કરતા જોવા મળ્યા હતા. જેને આખરે ટાઉન PI સરવૈયાએ ‘આતા માઝી સટકલી’ સ્ટાઇલમાં સમજાવી ઉદ્યોગકારોની શાન ઠેકાણે લાવી દીધી હતી.