રક્ષાબંધન પર્વ નિમિત્તે દમણમાં છેલ્લા 54 વર્ષથી ભવ્ય નાળિયેરી પૂર્ણિમા ઉત્સવનું આયોજન થતું હતું. જો કે, આયોજક સંસ્થા એવી લાયન્સ કલબ દ્વારા આ વર્ષે આ મહત્વના ઉત્સવમાં માત્ર સમુદ્રમાં નાળિયેર પધરાવી બાકીના તમામ કાર્યક્રમો પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું.દમણમાં લાયન્સ કલબ દ્વારા છેલ્લા 54 વર્ષથી ભવ્ય નાળિયેરી પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ આ વખતે આ સમગ્ર કાર્યક્રમ નીરસ રહ્યો હતો. જે અંગે લાયન્સ કલબના પ્રેસિડેન્ટ્સ જ્યોતિ રવિન્દ્ર એ જણાવ્યું હતું કે, ગત વર્ષ સુધી દમણના દરિયા કિનારે જેટી પર ખૂબ જ ઉત્સાહભેર નાળિયેરી પૂર્ણિમાનો ભવ્ય કાર્યક્રમ યોજાતો હતો. જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હતું. બોટ સ્પર્ધા, તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હતું. જેમાં કોસ્ટગાર્ડ પણ હેલિકોપ્ટરથી ફુલવર્ષા સહિત અવનવા દાવ કરવામાં આવતા હતાં. જો કે આ વર્ષે એવા કોઈ કાર્યક્રમ કરવામાં આવ્યા નથી. માત્ર સમુદ્ર દેવને લાયન્સ ક્લબના સભ્યોએ નાળિયેર અર્પણ કરી કાર્યક્રમની ઉજવણી કરી હતી. છેલ્લા 54 વર્ષથી ઉજવાતા આ કાર્યક્રમ અંગે લાયન્સ ક્લબના સભ્યોએ જણાવ્યું હતું કે નાળિયેરી પૂર્ણિમાનું માછીમાર સમાજમાં ખૂબ જ મહત્વ છે. તે મહત્વને ટકાવી રાખવા દર વર્ષે આ દિવસે સમુદ્રમાં નાળિયેર અર્પણ કરવામાં આવતો હતું. શાસ્ત્રોક્ત વિધિ સાથે દરિયાદેવની પૂજા કરી તે બાદ દમણના માછીમાર ભાઈઓ માછીમારી માટે દરિયાની સફરે નીકળતા હતા. આ વર્ષે શાસ્ત્રોક્ત વિધિ સાથે કલબના સભ્યોએ દરિયાદેવની પૂજા કરી નારિયેળ અર્પણ કરી ખૂબ સાદગીથી આ ઉત્સવ મનાવ્યો છે.નાળિયેરી પૂર્ણિમાના ભવ્ય મહોત્સવ ને બદલે માત્ર નાળિયેર પધારવા પૂરતા સીમિત થયેલા આ ઉત્સવ અંગે સૂત્રો તરફથી જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા બે ચાર વર્ષથી દમણ પ્રશાસનના અધિકારીઓ દ્વારા આયોજકો અને દમણના માછી સમાજને જ કાર્યક્રમથી અળગા કરી સમગ્ર કાર્યક્રમને પ્રશાસનનો જ કાર્યક્રમ કરી વાહવાહી લૂંટતા હતા. જેથી નારાજ થયેલ સભ્યો અને માછીમાર સમાજે આ વર્ષે આ સમગ્ર કાર્યક્રમથી અળગા રહેવાનું મન બનાવ્યું હતું. જ્યારે બીજી તરફ પ્રશાસને પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે કોઈ જ મહત્વનું આયોજન કર્યું ના હોય સમગ્ર કાર્યક્રમ નીરસ રહ્યો હતો. અત્રે નોંધનીય છે કે હાલમાં જ દમણ પ્રશાસન દ્વારા મોનસુન ફેસ્ટિવલનું આયોજન કર્યું છે કરોડો રૂપિયાના ખર્ચે આયોજિત આ કાર્યક્રમ પણ સુપર ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. એવામાં દમણના કિલ્લામાં આયોજિત ટગ ઓફ વોર સહિતના અન્ય કાર્યક્રમો પણ માત્ર કાર્યક્રમ યોજવા પૂરતા સીમિત રહ્યા હતા. પ્રશાસનના જ આ કાર્યક્રમમાં પ્રશાસનના જ અધિકારીઓ ડોકાયા નહોતા. તો કાર્યક્રમની જોઈ તેવી પ્રસિદ્ધિ કરી ના હોય લોકો પણ નિરાશ થતા જોવા મળ્યા હતા. કાર્યક્રમ ના આયોજન સ્થળે સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો અને ગણતરીના નગરજનો સમક્ષ શરમ માર્યા બે-ચાર સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ સિવાય મેદાન ખાલીખમ જોવા મળ્યું હતું.