Sunday, December 22News That Matters

DNHDD માં 108 સેવાના 10 વર્ષમાં 3,36,615 કેસ હેન્ડલ કર્યા, 1200 મહિલાઓની એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી, 16000 લોકોના જીવ બચાવ્યા

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવ પ્રશાસન દ્વારા શરૂ કરાયેલ GVK-EMRI સેવાના 10મી એપ્રિલ 2022ના રોજ 10 વર્ષ પૂર્ણ થયા છે. 10 એપ્રિલ 2012ના દિવસે સેલવાસ ખાતે  દાદરા નગર હવેલીના પ્રશાસક નરેન્દ્રકુમારના હસ્તે 13 એમ્બ્યુલન્સથી આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાંથી આઠ એમ્બ્યુલન્સ MP દ્વારા દાદરા નગર હવેલી સાંસદ નિધિ ફંડ માંથી ફાળવવામાં આવેલી હતી તેમજ પાંચ એમ્બ્યુલન્સ દમણ અને દીવ સાંસદ નિધિ ફંડ માંથી ફાળવવામાં આવી હતી.
આ સેવાના 10 વર્ષ બાદ આજે દાદરા નગર હવેલી અને દમણ અને દિવમાં 22 રોડ એમ્બ્યુલન્સ અને એક બોટ, એક ફેરી એમ કુલ 24 એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ સેવાના 10 વર્ષે એટલે કે 10 એપ્રિલ 2012 થી 31 માર્ચ 2022 સુધીમાં 3,36,615 ઈમરજન્સી સેવા પૂરી પાડવામાં આવી છે. જેમાંથી 3,19,194 મેડિકલ ઈમરજન્સી, 16,870 પોલીસ ઇમર્જન્સી અને 551 ફાયર ઈમરજન્સી કેસ GVK-EMRI દ્વારા હેન્ડલ કરી લોકોને આ સેવાનો લાભ આપ્યો છે.
 10 વર્ષમાં સમયગાળામાં સંઘપ્રદેશમાં 70,221 સગર્ભા સ્ત્રીઓને સેવા પૂરી પાડવામાં આવી છે. જેમાં 108ના EMT દ્વારા ઇમર્જન્સી મુજબ 1200થી વધુ ડિલિવરી એમ્બ્યુલન્સ માં જ કરવામાં આવી છે. 48,554 અકસ્માતના કેસ 108 દ્વારા હેન્ડલ કરવામાં આવ્યા છે. 108ની ટીમે Golden Hours (સુવર્ણ સમય) દરમ્યાન ત્વરિત સેવા પૂરી પાડી 16000 થી વધુ લોકોના જીવ બચાવ્યા છે.
સંઘપ્રદેશ ભારતનો એવો પ્રદેશ છે જેનો રિસ્પોન્સ ટાઇમ અન્ય પ્રદેશથી ખૂબ જ ઓછો છે. અહીં આશરે સાત મિનિટમાં જ એમ્બ્યુલન્સની સેવા લોકોને મળી રહે છે.  સંઘપ્રદેશમાં રોડ એમ્બ્યુલન્સ, બોટ એમ્બ્યુલન્સ તેમજ બાઈક એમ્બ્યુલન્સ દ્વારા લોકોને ઈમરજન્સી સેવા પુરી પાડવામાં આવે છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 108 ની સાથે 104 સીટીઝન હેલ્પલાઇનની સેવા પણ ખૂબ જ સરાહનીય બની છે. આ નોન ઇમરજન્સી સેવા 104 સીટીઝન હેલ્પલાઇન લોકોને માર્ગદર્શન માહિતી તેમજ સલાહ આપે છે. અત્યાર સુધી 104 હેલ્પલાઇન સેવામાં 2,93,442 કોલ આવ્યા છે. 
આ દસ વર્ષના ગાળા દરમ્યાન સંઘપ્રદેશના પ્રશાસક તેમજ GVK-EMRI ટીમ દ્વારા નવતર પહેલના ભાગરૂપે  2000થી વધુ લોકોને first responder (પ્રાથમિક સારવાર) આપવા માટેની વિશેષ ટ્રેનીંગ આપી છે. આવનારા વર્ષોમાં સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા 108 ઇમર્જન્સી મેડિકલ સેવા અને 104 હેલ્પલાઇન સેવાને આધુનિક સ્વરૂપ આપી લોકોના વધુ જીવ બચાવવા માટે 24 x 7 કલાક અને 365 દિવસ સેવા આપવા કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *