કચ્છના રણમાં અને સાપુતારા ના પહાડી વિસ્તારમાં આવેલ તંબુ નગરી પ્રવાસીઓને વૈભવી સ્ટાઇલમાં કુદરતની નજીક રહી તેને માણવાનો અદભુત કરાવે છે.
આવી જ તંબુ નગરી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં છે. દેશમાં અદ્યતન ઇમારતો સહિતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરતી કંપનીએ દાદરા નગર હવેલીમાં ઉંચા પહાડો, બારેમાસ વહેતી નદી, ઊંચા વૃક્ષોની ઘટાટોપ છાયામાં કુદરતી નજારાને માણવા ટેન્ટ રિસોર્ટ બનાવ્યો છે. જે હાલ દાદરા નગર હવેલીમાં પ્રવાસે આવતા પ્રવાસીઓ માટે હોટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનવા તરફ આગળ વધી રહી છે.
દાદરા નગર હવેલી ઘેઘુર વનરાજી, વન્ય જીવો, ખળખળ વહેતા પાણીના ઝરણા માટે દેશભરના પ્રવાસીઓનો માનીતો પ્રદેશ છે. અહીં અનેક પ્રવાસન સ્થળો આવેલા છે. જેની પ્રશાસન સતત માવજત કરી પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. ત્યારે હવે દાદરા નગર હવેલીમાં પ્રવાસીઓ કચ્છના રણમાં કે સાપુતારાના પહોડોમાં જેમ તંબુ નગરીમાં રોકાણ કરી પ્રવાસનો આનંદ ઉઠાવે છે તેવો જ આનંદ દાદરા નગર હવેલીના કુદરતી સૌંદર્ય વચ્ચે ઉઠાવી શકે તે માટે પહેલ કરી છે. જે અંતર્ગત દાદરા નગર હવેલીના કાઉંચા-દૂધની ખાતે Kinsfolk infra engineering કંપનીએ white feather tent resort ઉભું કર્યું છે. શહેરથી દૂર ગીચ વનરજીમાં આવેલ આ ટેન્ટ સીટી હવે ધીરે ધીરે પ્રવાસીઓને પોતાના તરફ ખેંચી રહી છે.
દેશભરમાં પ્રવાસન સ્થળ તરીકે જાણીતા દાદરા નગર હવેલીમાં દૂધની-કાઉંચા લેક રિસોર્ટ ખાતે પ્રવાસીઓ મનભરીને કુદરતી નજારો માણી શકે તે માટે પ્રશાસનના સહકારથી Kinsfolk infra engineering કંપનીએ white feather tent resort ઉભું કર્યું છે. જે તેમના નામ પ્રમાણે જ પ્રવાસીઓને સ્વજનની જેમ કુદરતી નજારાનો અનોખો અનુભવ કરાવે છે.
દેશભરમાં વિજતારનું, અદ્યતન એન્જીનીયરીંગ સાથે ઇમારતોનું નિર્માણ કરતી, તેમજ વિવિધ પ્રોજેકટ મેનેજમેન્ટનું સંચાલન કરતી Kinsfolk infra engineering કંપનીએ white feather tent resort ના નામે દાદરા નગર હવેલીના અંતરિયાળ ગણાતા કાઉંચા-દૂધની ગામે વૈભવી તંબુ નગરી ઉભી કરી છે. આ સ્થળ પહેલા પ્રશાસન હસ્તક હતું. અહીં 10 જેટલા કોટેજમાં પ્રવાસીઓ રાત્રી રોકાણ કરતા હતાં. હવે અહીં 10 કોટેજ ઉપરાંત 30 વૈભવી ટેન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટેન્ટ રિસોર્ટ અંગે કંપનીના ઓપરેશન મેનેજર સંતોષ પાલે જણાવ્યું હતું કે કુદરતી નજારો ધરાવતા આ સ્થળનો અને સ્થાનિક ગામલોકોનો વિકાસ થાય, પ્રવાસીઓને એક નવું પ્રવાસન સ્થળ મળે તે માટે આ અનોખી પહેલ કરી છે.
હાલ આ ટેન્ટ રિસોર્ટમાં સુરત, મુંબઈ, અમદાવાદથી પ્રવાસીઓ પ્રવાસન માટે આવે છે. પ્રવાસીઓને માટે અહીં વૈભવી ટેન્ટની સુવિધા સાથે જિમ, ગેમઝોન, કિડસઝોન, સ્વિમિંગ, ફૂડ ઝોન, સિગિંગ, મ્યુઝિક જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. તહેવારો અને વેકેશનમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આ કુદરતી નજારો માણવા પધારે છે.
ટેન્ટ રિસોર્ટમાં સ્થાનિક ગામલોકોને રોજગારી આપવા મહેમાનોને અવકારવાથી માંડીને તેમના મનોરંજન માટેની વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી છે. તો, જંગલ વિસ્તારથી ઘેરાયેલ આ ટેન્ટ રિસોર્ટમાં આવેલ કોઈ પ્રવાસીને તબીબી સલાહની જરુર હોય તો તે માટે તબીબની ટીમ છે. એ ઉપરાંત નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રના તબીબો દ્વારા કાઉન્સેલિંગ કરાય છે. ટેન્ટ રિસોર્ટ સુધીનો માર્ગ ઘટાટોપ જંગલનો માર્ગ હોય પ્રવાસીઓ ભુલા ના પડે, કોઈ અડચણ ના આવે તે માટે પહેલી વાર આવતા પ્રવાસીઓને આવકારવા હોટેલનો સ્ટાફ સામે જાય છે. કુદરતી નજારો માણવા આવતા પ્રવાસીઓ પણ આ પ્રવાસન સ્થળને વખાણે છે.
જો કે અહીં વિદેશી પ્રવાસીઓ પણ આવે તેવી નેમ સંચાલકોની છે. તેમનું કહેવું છે કે જો સ્થાનિક પ્રશાસન અહીં સારા માર્ગ અને અન્ય જરૂરી એવી બેઝિક સુવિધાઓ પુરી પાડે તો જેમ કચ્છના રણમાં અને સાપુતારામાં આવેલ ટેન્ટ સિટીમાં વિદેશી પ્રવાસીઓ આવે છે. તેમ અહીં પણ વિદેશી પ્રવાસીઓ આવે. જેનાથી દેશને વિદેશી હૂંડિયામણ મેળવવામાં દૂધની-કાઉંચા પ્રવાસન સ્થળ તરીકે દેશના નકશા માં દાદરા નગર હવેલીને પણ સ્થાન અપાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે white feather એટલે કે સફેદ પિછા ની ઉપમા મેળવતી આ તંબુ નગરી kinsfolk એટલે કે સ્વજનની જેમ અહીં આવતા પ્રવાસીઓને કુદરતની સમીપ ગણાતા પહાડો, વૃક્ષો, નદી અને કુદરતી આબોહવાનો અનોખો ગગન વિહાર કરાવે છે.