સેલવાસ :- સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 900 જેટલા શિક્ષકો કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવે છે. જેઓને પ્રશાસને હાલમાં કોરોના મહામારીમાં જોતરી દીધા છે. જો કે મહામારી સામે રક્ષણ મેળવવા પૂરતી કોઈ સગવડ શિક્ષકો ને અપાઈ નથી. જેને કારણે છેલ્લા 1 મહિનામાં 9 શિક્ષકો કોરોનાની બીમારીથી મોતને ભેટ્યા છે. 15થી વધુ સારવાર હેઠળ છે. ત્યારે શિક્ષકો ના પરિવારને આર્થિક સહાય મળે, વીમા કવચ મળે તેવી માંગ શિક્ષક એસોસિએશન દ્વારા કરવામાં આવી છે
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 900 જેટલા શિક્ષકો કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવે છે. જેઓને પ્રશાસને હાલમાં કોરોના મહામારીમાં ઘરે ઘરે સર્વે કરવું, કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ કવોરંટાઇન કરાવવા, તેમના આરોગ્યની રોજેરોજ ચકાસણી કરવી, હોમ કવોરંટાઇન થયેલા દર્દીઓના પરિવારને તેમજ કંટાઇનમેન્ટ ઝોનમાં લોકોને જરૂરી રાશન સામગ્રી પહોંચાડવી જેવી કામગીરી સોંપી છે. શિક્ષકો પણ આ જવાબદારી સુપેરી નિભાવી રહ્યા છે.
શિક્ષકોનું કહેવું છે કે કોરોના મહામારી દરમ્યાન પ્રશાસને જે કામગીરી સોંપી તે કામગીરી શિક્ષકો નિષ્ઠાપૂર્વક બજાવે છે. પરન્તુ તેમના ગયા પછી પરિવાર નોંધારો બની જાય છે. એટલે આર્થિક સહાય ઉપરાંત વીમા સુરક્ષાનો લાભ મળવો જોઈએ. ફરજ દરમ્યાન ઉપરી અધિકારીઓનું વધતું દબાણ પણ અનેક શિક્ષકોને ડિપ્રેશનમાં નાખી રહ્યું છે તે હળવું થાય, હાલમાં આ કોન્ટ્રાકટ પર કામ કરતા શિક્ષકોને દર 2 કે 6 મહિને કોન્ટ્રાકટ રીન્યુ કરવો પડે છે. તેમાંથી મુક્તિ આપી તમામ શિક્ષકોને કાયમી કરવામાં આવે.