દાદરા નગર હવેલીના ખાનવેલ નજીક ખેરડી ગામે આવેલ કંપનીમાં શનિવારે રાત્રે 8 વાગ્યા આસપાસ ભીષણ આગ ભભૂકી ઉઠતા સેલવાસ, વાપી અને અન્ય ઔદ્યોગિક એકમાંથી ફાયર ટીમને બોલાવવામાં આવી હતી. આગ ખેરડી ગામે આવેલ આરતી સરફેક્ટન્ટ્સ નામની કંપનીમાં લાગી હતી. જેને બુઝાવવા ફાયર વિભાગની ટીમ પ્રયાસ કરી રહી છે.
મળતી વિગતો મુજબ કંપનીમાં 8 વાગ્યા આસપાસ અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આગની ઘટના બનતા તાત્કાલિક સેલવાસ, વાપીના ફાયર અને ભિલોસા, આલોક, આરતી કંપનીના ફાયર ફાઈટર ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. જો કે આગનું સ્વરૂપ ખૂબ જ વિકરાળ હોય અને કંપનીમાં રહેલ તૈલી ઉત્પાદન ના કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ફાયરના જવાનો હાલ ફોમ અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરી રહ્યા છે.
તો, કંપનીમાં લાગેલી ભીષણ આગ મેજર ફાયર હોવાનું અનુમાન લગાવી તંત્ર એલર્ટ બન્યું છે. વધુ ફાયરને બોલાવવા કંપની સંચાલકોએ પણ તજવીજ હાથ ધરી છે. હાલ કંપનીમાં જાનમાલની નુકસાની અંગે કોઈ વિગતો મળી નથી. પરંતુ કંપની ડિટરજન્ટ, ક્લીનર્સ, કોસ્મેટિક્સ અને ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદનમાં વ્યાપકપણે વપરાતું સર્ફક્ટન્ટ્સ બનાવે છે. જેને કારણે આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. કંપનીમાં મોટા પ્રમાણમાં કેમિકલ ભરેલા ડ્રમ હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કંપનીમાં મોટા ધડાકાઓ ના કારણે આજુબાજુ વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો છે.