Sunday, December 22News That Matters

DNH શિવસેના સાંસદ કલાબેન ડેલકરે ધરમપુર તાલુકાના સૂચિત રિવરલિંક પ્રોજેક્ટનો મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો

ધરામપુરમાં આકાર લેનારા સૂચિત પાર-તાપી-નર્મદા રિવરલીન્ક પ્રોજેકટ થી હજારો આદિવાસી પરિવારોના જીવન પર અનેક પ્રકારની માઠી અસર થશે તેવી રજુઆત સાથે આ મુદ્દો દાદરા નગર હવેલીના શિવસેના સાંસદ કલાબેન ડેલકરે ઉઠાવ્યો છે. ગુજરાત સરકારના ધરમપુર તાલુકામાં સૂચિત રિવરલિંક પ્રોજેક્ટનો મુદ્દો લોકસભામાં ઉઠાવી આદિવાસી સમાજના હજારો પરિવારોને બચાવી લેવા માટે સાંસદ ડેલકરે સરકારને ભલામણ કરી છે.
સાંસદ કલાબેન ડેલકરે આ સૂચિત પરિયોજના પર ભારત સરકારનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, જ્યાં ડેમનું નિર્માણ કરવાની વાતો ચાલી રહી તે મારી જન્મભૂમિ છે. અહીંના આદિવાસી સમાજના અગ્રણીઓએ મને આ બાબતની જાણકારી આપી હતી કે અહીં આ પરિયોજના સાકાર થશે તો લોકોને ભારે નુકસાન થશે. 75 જેટલાં ગામો અને અને તેમાં વસતા 35 હજાર જેટલાં પરિવારોના જીવન પર અનેક પ્રકારની માઠી અસર થશે. લોકો બેરોજગાર થશે, બાળકોના શિક્ષણ પર અસર થશે. જળ -જંગલ-જમીન પર વર્ષોથી અહીંના લોકોનો અધિકાર છે. આદિવાસી વિસ્તાર હોવાથી લોકો ખેતી પર નિર્ભર છે તેઓને વિસ્થાપિત થવું પડશે. લોકો ખેતી સાથે ઘર વિહોણા બની જશે. પ્રાણી અને વન્ય જીવોની સાથે પર્યાવરણ પર પણ અસર થશે.
આટલી મોટી સંખ્યામાં આદિવાસી પરિવાર અને પર્યાવરણને ભારે નુકશાન પહોંચાડી શકે તેવી આ યોજના તાત્કાલિક રદ કરવામાં આવે તેવી વિનંતી દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે લોકસભાના માધ્યમથી ભારત સરકારને કરી છે.
ઉલ્લેખનીય છે કે પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટને લઈને છેલ્લા 2 મહિનાથી વલસાડ-નવસારી-ડાંગ જિલ્લાના ધરમપુર, કપરાડા, વાંસદા, આહવા સહિતના વિસ્તારોના આદિવાસી સમાજના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. જે મામલે 25મી માર્ચે આદિવાસી સમાજના હજારો લોકોએ ગાંધીનગર માં એકત્ર થઈ કોંગ્રેસી આગેવાનો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *