કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ટીટુમાળથી સેલવાસ થઈ વાપી જઈ રહેલી ST બસની બ્રેક ફેઈલ થઈ જતા બસ પલટી મારી ગઈ હતી. જેમાં સવાર 40 મુસાફરોને નાનીમોટી તેમજ 5 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટના બાદ વહીવટીતંત્ર અને સ્થાનિક લોકોનું ટોળું બચાવ માટે પહોંચ્યું હતું. જેમાં ઘાયલ મુસાફરોને ખાનવેલ અને સેલવાસની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતાં.
મળતી માહિતી મુજબ DNH ના સેલ્ટી ગોરાત પાડા ખાતે ટીટુમાળથી વાયા સેલવાસ વાપી જઈ રહેલી એસ.ટી બસ પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે બસમાં સવાર 40 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે ખાનવેલ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાંચ જેટલા ઘાયલો દેવુભાઈ રતનભાઈ બોબ, જીતેશભાઈ દિલીપભાઈ ગાંવીત, દીપકભાઈ બાબલુભાઈ રાઠડ, સોનલ સંદીપ ભોયા અને રોહિત ચૌધરીની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં બ્રેક ફેલ થવાના કારણે કે ST બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેને કારણે બસ પલટી મારી ગઈ હતી. જે અંગે વધુ તપાસ ST વિભાગ અને સેલવાસ પોલીસ સહિત વહીવટીતંત્ર એ હાથ ધરી છે.