Friday, October 18News That Matters

DNH જિલ્લા પંચાયત અને પ્રશાસનની લડાઈમાં 411 કામદારોનો 3 મહિનાથી પગાર બાકી, હોળીના પર્વમાં પ્રશાસનની નફટાઈ?

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રશાસન દ્વારા આદિવાસી કર્મચારીઓ સાથે થતા અન્યાયનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.  જેમાં DNH પંચાયત અને પ્રશાસનની લડાઈમાં 411 રોજમદારોને ત્રણ મહીનાથી પગાર નથી મળ્યો. આદિવાસી સમાજમાં હોળી પર્વનું ખૂબ મહત્વ છે. આ સમાજ માટે દિવાળીને બદલે હોળી જ મુખ્ય તહેવાર છે. ત્યારે આ મહત્વના પર્વ દરમ્યાન પ્રશાસન પોતાની નફટાઈ પર ઊતર્યું હોય તેવી પ્રતીતિ કર્મચારીઓને થઈ રહી છે.
આ અંગે મળતી વિગતો મુજબ બુધવારે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના 400થી વધુ કામદારોને 3 મહીનાથી પગાર ચૂકવાયો નથી. જેને લઈને આ કર્મચારીઓએ પરિવારનું ભરણ પોષણ કરવું મુશ્કેલ બન્યું છે. એમાં પણ હોળી પર્વ આવતા પગાર જમા થાય તેવી આશા એ    કામદારો ફાઈનાન્સ સેક્રેટરી (એફએસ) ગૌરવસિંહ રાજાવતને મળી રજુઆત કરી હતી. જે બાદ દાદરા નગર હવેલીમાં પંચાયતના પ્રમુખને મળ્યા હતાં. જેમાં બંનેએ એકબીજાને ખો આપતા હોવાની પ્રતીતિ થઈ હતી. પગાર મળશે તો પર્વ માનવીશું ની આશા નિરાશામાં ફેરવાઈ હતી.
કામદારોએ સૌ પ્રથમ ફાઇનાન્સ સેક્રેટરીને રજૂઆત કરી કે ત્રણ મહીનાથી અમારો પગાર બાકી છે. હોળીનું પર્વ આવે છે. અમે પૈસા વગર કેવી રીતે તહેવાર ઉજવીએ, અને પરિવારને પાળિએ? એફએસ રાજાવતે વર્કરોની વાતો સાંભળીને કહ્યું કે અમારી પાસે તમારા બધાના પગાર ચુકવવા અંગે કોઈ પણ ફાઇલ આવી નથી.
એફએસનાં આ વાત સાંભળી બધા વર્કરો ત્યાંથી પાછા ફરી સેલવાસ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિશા ભાવરને મળ્યા હતાં. જિલ્લા પંચાયત પ્રમુખે કહ્યું કે અમે અહિયાંથી તમારા પગાર વાળી ફાઇલ ફાઇનાન્સ સેક્રેટરીને ક્યારની મોકલી આપી છે. એફએસ સાહેબ પાસ કરે તો તમારા બધાનો બાકી પગાર ચૂકવાઈ જાય જે અંગે પ્રમુખે ઉપસ્થિત કામદારોને ફાઇલ અંગેની સંપૂર્ણ હકીકત જણાવતા હવે કામદારો મુંઝાયા છે કે પંચાયત સાચી કે પ્રશાસનના ફાઇનાન્સ સેક્રેટરી? અને એ બાબતમાં તેઓ હોળીના મહત્વનો તહેવાર ઉજવી નહિ શકે તેવો અફસોસ વ્યક્ત કરી રહ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા ચાર મહિનાથી પગાર ન મળવાને કારણે કેટલાક કર્મચારીઓ બેંક લોનના હપ્તા ભરી નથી શક્યા. કેટલાકે પરિવારનું ભરણપોષણ કરવા ઘરેણાં ગીરવે મૂક્યાં છે. અથવા તો વેચી દીધા છે. કોઈ વળી વાહનો વેચીને ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ જે બેંક લોન લીધી છે એના હપ્તા જો ન ભરાશે તો જેઓએ ઘર લીધુ છે કે ગાડી લીધી છે એ પણ બેન્કવાળા જપ્ત કરી લેશે એવો ડર લાગી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે DNH માં પ્રશાસન દ્વારા આ પહેલા પણ અનેક આદિવાસી કર્મચારીઓને પ્રતાડીત કરી પ્રશાસને તેની નફટાઈ નો પરચો બતાવ્યો છે. જેમાં આ વખતે તહેવાર ટાણે ફટકો માર્યો છે. એવા આક્ષેપ કર્મચારીઓ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *