Saturday, December 21News That Matters

સેલવાસમાં અમિત શાહે ભાંગરો વાટયો, સંઘપ્રદેશની 2 લોકસભા સીટને 3 ગણાવી જીતાડવા લાભાર્થી સંમેલનમાં આહવાન કર્યું

 

 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યા હતાં. અહીં સાયલી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમમાં દાદરા નગર હવેલી અને દમણ દિવની લોકસભા સીટ ભાજપને અપાવવા આહવાન કર્યું હતું જો કે, આ સમયે અહીંની 2 સીટને તેમણે 3 સીટ ગણી ભાંગરો વાટયો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે હતા. જ્યાં તેઓએ સેલવાસના સાયલીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલા લાભાર્થી સંમેલનને સંબોધ્યું હતું. આ સંમેલનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજના ના લાભાર્થીઓ અને પ્રદેશના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ મંત્રીએ વિકસિત ભારત મોદી કી ગેરંટી અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઉજ્વલા યોજના ના લાભાર્થીઓને લાભો પણ એનાયત કર્યા હતા. તેમજ 2370 કરોડના 49 વિકાસના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

આ પ્રસંગે સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલની સાથે ભાજપના પ્રદેશ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં પ્રદેશના લોકો અને લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં સંપ્રદેશ દાદરા નગર હવેલીના શિવસેનાના ઉદ્ધવ ઠાકરે ગ્રુપના સાંસદ કલાબેન ડેલકરની સૂચક હાજરી જોવા મળી હતી. કલાબેને સ્ટેજ પર જઈ ગૃહ મંત્રી અમિત શાહ નું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

અમિત શાહે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી ની લોકસભા બેઠક પણ મોદીજીની જોલીમાં નાખી ભાજપને 400 પાર કરાવવા અપીલ પણ કરી હતી. જો કે, આ અપીલ દરમ્યાન તેમણે ભાંગરો વાટયો હતો. અમિત શાહે સ્ટેજ પરથી જનમેદની ને સંબોધન કરતી વખતે દાદરા નગર હવેલી અને દમણ દીવની ત્રણ લોકસભા બેઠક પર ભાજપને વિજય અપાવવા આહવાન કર્યું હતું. જો કે દાદરા નગર હવેલી અને દમણ દીવમાં 2 જ લોકસભા સીટ છે. જે કદાચ અમિત શાહ વિસરી ગયા હતાં.
પોતાના સંબોધનમાં અમિત શાહે ઇન્ડિ ગઠબંધનને પરિવારવાદી ગઠબંધન ગણાવ્યું હતું. એક તરફ દેશભક્તિથી ઓતપ્રોત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે ત્રીજી વખત પસંદ કરવા અને બીજી બાજુ પોતાના પરિવારજનોને મુખ્યમંત્રી બનાવવાના પ્રયાસમાં રત પરિવારવાદી ગઠબંધન વચ્ચે મોદી ને પસંદ કરવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહની 2 દિવસીય મુલાકાત દરમ્યાન તેઓએ વિવિધ રાજકીય આગેવાનો સાથે દમણમાં બેઠક યોજી ચર્ચા કરી હતી. જે બાદ સાયલી ક્રિકેટ સ્ટેડિયમમાં લાભાર્થી સંમેલનમાં આગામી લોકસભા ચૂંટણીને લઈ તેના ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફૂંકયું હતું. મોદી સરકારમાં કાશ્મીર કલમ 370, રામ મંદિર, વન પેંશન વન નેશન યોજના જેવી વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરી વિકાસની ગાથા રજૂ કરી હતી. આગામી 2047 સુધીમાં ભાજપ સરકારનો ચંદ્ર પર માનવ અભિયાન, સ્પેસ સેન્ટર, ઓલમ્પિક હોસ્ટ જેવા આયામો સર કરી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ રજૂ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *