વાપીમાં 24મી ઓગસ્ટના સાંજે 5 વાગ્યે ગોપાલ ઇટાલિયાએ વાપીના વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત વેપારીઓ માટે પાર્ટીના ડૉ. રાજીવ પાંડે દ્વારા પાણી અને અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં 30 મહિના જૂની વાસી પાણીની બોટલો પાણી પીવા માટે આપતા વેપારીઓમાં કચવાટ જોવા મળ્યો હતો.
વાપીમાં સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજવાડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમ નિયત સમય કરતાં 2 કલાક મોડો શરૂ થયો હતો. જેમાં ઉપસ્થિત વેપારીઓની તરસ છીપાવવા આમ આદમી પાર્ટીના ગત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર મેળવી ચૂકેલા ડૉ. રાજીવ પાંડે દ્વારા પાણીની બોટલો આપવામાં આવી હતી.
IKSA બ્રાન્ડની અને still natural mineral water from the Himalayas એવા સ્લોગન સાથેની આ બોટલનું પાણી પીતી વખતે જ્યારે વેપારીઓનું ધ્યાન તેના પર લખેલ તારીખ પર જતાં બોટલ પર 15/02/2020, 17:28, 046A, MRP 30 ₹ લખેલ હતી. મતલબ કે હાલમાં ચાલી રહેલ વર્ષ 2022, 24 ઓગસ્ટ મુજબ પાણીની બોટલનું પાણી 30 મહિના અને 9 દિવસ જૂનું હતું. જે પીધા બાદ ઉપસ્થિત વેપારીઓમાં કચવાટ જોવા મળ્યો હતો. અને એક તબીબ પોતે લોકોને આટલું જૂનું પાણી પીવડાવતો હોય તો તે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતો હોય તેવા કચવાટ સાથે ગણગણાટ શરૂ કર્યો હતો.
30 મહિના અને 9 દિવસ જૂની પાણીની આ બોટલો અંગે કેટલાક વેપારીઓએ અને ઉપસ્થિત પત્રકારોએ ડૉ. રાજીવ પાંડે સાથે વાતચીત કરી હતી. જે સંદર્ભે તેમણે એવો દાવો કર્યો હતો કે, પાણી તેમની જ કંપનીનું છે. અને તેમાં લખેલ તારીખથી 24 મહિના સુધી એ પાણી શુદ્ધ પાણી તરીકે પી શકાય છે. જેનો તેમની પાસે લેટર પણ છે.
જો કે ડૉ. રાજીવ પાંડે એ આપેલ પાણી ની બોટલો 24 મહિનાને બદલે 30 મહિના અને 9 દિવસ જૂની હતી. ત્યારે, આ મામલે આરોગ્ય વિભાગ કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે અંગે ઉપસ્થિત વેપારીઓ મીટ માંડીને બેઠા છે.
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના વેપારીઓ સાથેના સંવાદ કાર્યક્રમમાં જે પાણીની બોટલો આપવામાં આવેલી તેના પર FSSAI (Food Safety and Standards Authority of India) LIC(License) no. 10019062000498, Manufacturing & bottle of source by MAHODAR BEVERAGES, 81D-1&2 EPIP Phase-1, Jharmasrl, dist. Salan, Himachal Pradesh, 174103 india…….
A VARAHI group of company, WZ-8/1-2, Industrial area, kirti sagar, New Delhi, 110015 india એ પ્રકારનો બેચ માર્ક છે. જેમાં સ્પષ્ટ લખેલું છે કે Best Before 24 months from manufacturing તેમજ બોટલ પર ISI, NSF, ECO, IBWA, HACCP જેવી વિવિધ સંસ્થાના લોગો પણ પ્રિન્ટ કરેલા છે.