વલસાડ જિલ્લામાં આવેલ વાપી GIDC અને સરીગામ GIDC માં અગ્રણી કેમિકલ ઉદ્યોગ તરીકે જાણીતી હેરંબા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેમના CSR ફંડ હેઠળ વાપીના VIA ઓડિટોરિયમ ખાતે દિવ્યાંગો માટે નિશુલ્ક કૃત્રિમ હાથ, પગ, વ્હીલ ચેર, બગલ ઘોડી જેવા સાધનોના વિતરણ કેમ્પનું આયોજન કર્યું છે. કેમ્પમાં બીજા દિવસે વલસાડ જિલ્લા ઉપરાંત નવસારી, સુરત, ડાંગ, સેલવાસથી મોટી સંખ્યામાં દિવ્યાંગો આવ્યા હતાં. જેઓએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં તેમને આવા કેમ્પ નો લાભ મળ્યો નહોતો એટલે તેમના જુના સાધનો ખરાબ થયા હોવા છતાં અનેક આપદા સહન કરી ચલાવ્યા હતા. હવે આ નવા સાધનો મળવાથી કંપનીએ અને સંસ્થાએ તેમને સાંપ્રત પ્રવાહમાં ફરી ચાલતા કર્યા છે.
વાપી GIDC અને સરીગામ GIDC માં હેરંબા ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા કંપનીના ચેરમેન એસ. કે. શેટ્ટી અને MD આર. કે. શેટ્ટી ના માર્ગદર્શન હેઠળ વાપીના VIA ઓડિટોરિયમ ખાતે CSR ફંડ હેઠળ ત્રિ-દિવસીય કેમ્પનું આયોજન કરવામાંં આવ્યું છે. કેમ્પમાં અકસ્માતમાં હાથ-પગ ગુમાવનાર કે પોલિયો જેવી ખોડખાંપણ ધરાવતા વ્યક્તિઓ માટે નિઃશુલ્ક કૃત્રિમ અંગ અને સાધનો પુરા પાડવાનો ઉદેશ્ય છે.
ભારતની જાણીતી રત્ન નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના સહયોગમાંં આયોજિત આ ત્રિદિવસીય કેમ્પના બીજા દિવસે મોટી સંખ્યામાં દિવ્યાંગો તેમના જુના કેલીપર્સ કે જયપુર ફૂટને બદલે નવા લેવા માટે ઉપસ્થિત રહ્યા હતાં. કેટલાક પહેલી વખત આ સાધનોનો ઉપયોગ કરી લાભ મેળવી શકે તે માટે આવ્યાં હતાં. જેઓએ કંપનીના આ સરાહનીય કાર્યના વખાણ કર્યા હતાં.
કેમ્પમાં નવસારીથી આવેલ લખન રાદડિયા અને પત્ની નીતા રાદડિયા એ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ કેમ્પમાં તેમના જેવા અન્ય દિવ્યાંગો આવ્યા છે. જેઓને લાવવા લઈ જવા માટે કંપનીએ વાહનોની વ્યવસ્થા કરી છે. તેમજ અહીં કેમ્પમાં પણ તમામ સાધનો નિઃશુલ્ક આપી રહ્યા છે. પોલિયો ધરાવતા આ દંપતીએ હેરંબા ઇન્ડસ્ટ્રીઝનો અને રત્નનિધિ ટ્રસ્ટનો આભાર માનતા જણાવ્યું હતું કે, તેમને પહેલા જે કેલીપર્સ મળતા હતા તે ટેક્નોલજી મુજબ એટલા ઉપયોગી નહોતા જેટલા આજની ટેકનોલોજીના આ કેલીપર્સ ઉપયોગમાં આવી રહ્યા છે. સંસ્થાની આ સારી કામગીરીથી તેમના જેવા અનેક દિવ્યાંગો આજના સાંપ્રત પ્રવાહમાં ફરી પોતાના પગ પર ચાલતા થયા છે.
આજની લેટેસ્ટ ટેકનોલોજીથી તૈયાર કરેલ જયપુર ફુટ, કેલીપર્સ, વ્હીલ ચેર, બગલ ઘોડી જેવા સાધનો નિઃશુલ્ક આપવામાં આવતા હોય સેલવાસથી પિયુષ દેસાઈ નામના દિવ્યાંગ તેમના પત્ની સાથે આવ્યાં હતાં. અકસ્માતમાં પગ ગુમાવનાર સુમનભાઈ પટેલ છેક ઉનાઈ થી આવ્યાં હતાં. મહેશ બાબરીયા નામનો પોલિયો ધરાવતો યુવાન સુરતથી આવ્યો હતો. તો, બળદગાડામાં પગ આવી જવાથી પગ ગુમાવનાર એક વડીલ નવસારીથી આવ્યા હતા. જેમની સાથે બીજા પણ ઘણા દિવ્યાંગો કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતાં.
તમામે હેરંબા ઇન્ડસ્ટ્રીઝ અને રત્નનિધિ ચેરીટેબલ ટ્રસ્ટ નો આભાર માનતા હરખના આસું સાથે જણાવ્યું હતું કે, તેમને રેલવેમાં અપડાઉન કરતી વખતે તેમજ રોજિંદા કામકાજમાં જુના અને જર્જરિત કેલીપર્સ, જયપુર ફૂટમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. કેટલાકની પત્નીઓ પણ પોલિયો ધરાવતી હોય ઘરકામમાં મુશ્કેલી પડતી હતી. કેટલાક બાળકો પણ પોલિયો ધરાવતા હોય, અકસ્માતમાં હાથ-પગ ગુમાવ્યા હોય અભ્યાસ અને ઇત્તરપ્રવૃતિ માં પરેશાની નો સામનો કરતા હતા. આ તમામને નવા કેલીપર્સ, નવા જયપુર ફુટ, વ્હીલ ચેર, બગલ ઘોડી તેમજ અકસ્માતમાં હાથ ગુમાવનાર વ્યક્તિઓ માટે આર્ટિફિશ્યલ હાથ સહિતના તમામ સાધનો નિઃશુલ્ક મળતા ચહેરા પર ખુશીનો ભાવ પ્રગટ થતો જોવા મળ્યો હતો.
વાપીમાં હેરંબા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત આ નિઃશુલ્ક કેમ્પ અંગે જનરલ મેનેજર રૂપેશ વેગડાએ જણાવ્યું હતું કે, તેમની કંપનીએ સામાજિક સેવા ને ધ્યાને રાખી દિવ્યાંગો માટે આ કેમ્પનું આયોજન કર્યું છે. કેમ્પમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જરૂરિયાતમંદ દિવ્યાંગો આવ્યા છે. જેમને મદદરૂપ થયા બાદ તેઓના ચહેરા પર જે ખુશીની ઝલક જોવા મળી છે. તેનાથી તેમને પણ લોકોને મદદરૂપ થવાનો એહસાસ થયો છે. અને આવા સેવાકીય કાર્યો અવિરત કરતા રહેવાની પ્રેરણા મળી છે.
ઉલ્લેખનીય છે કે કેમ્પમાં પોલિયો ધરાવતા લોકોને ફાયદો કરી તેમના પગ સીધા રહે સારી રીતે ચાલી શકે તે માટે વિશેષ પ્રકારના કેલીપર સાથે સ્પોર્ટ્સ શુઝ, અકસ્માતે પગ ગુમાવનારા માટે આર્ટિફિશિયલ જયપુર ફૂટ, ચાલી નથી શકતા તેવા લોકો માટે વ્હીલ ચેર અથવા જે લોકો ચાલી શકે છે પરંતુ તેવા લોકોને સહારા ની જરૂર હોય તેવા લોકો માટે બગલ ઘોડી, હાથ ગુમાવનારા લોકો માટે કૃત્રિમ હાથ સહિતના સાધનોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં 3 દિવસમાં અંદાજિત 500 લોકો લાભ લેશે તેવો અંદાજ કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી રહેલ હેરંબા ઇન્ડસ્ટ્રીઝના મેનેજર રૂપેશ વેગડા અને મીનેશ પંડ્યાએ વ્યક્ત કર્યો છે.