શનિવારે વાપી મહાનગરપાલિકામાં કનુભાઈ દેસાઇ, કેબિનેટ મંત્રી, ગુજરાત સરકાર નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સની અધ્યક્ષતમાં વાપી મહાનગરપાલિકાના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા અને બજેટ બાદના વિકાસના કામો અંગેની ચર્ચા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે નિયત સમયથી દોઢ કલાક મોડી શરૂ થયેલ બેઠક બાદ પત્રકારો સાથેના વાર્તાલાપમાં માત્ર ઇલેક્ટ્રોનિક મીડિયાને ઇન્ટરવ્યૂ આપી પ્રિન્ટ, ડિજિટલ મીડિયા સહિતના પત્રકારોને કોઈ જ વિગતો આપ્યા વિના અપમાનિત સ્થિતિમાં મૂકી પ્રેસ કોન્ફરન્સ ના નામે સમય વેડફી નાખ્યો હતો.
શનિવારે વાપી મહાનગરપાલિકા દ્વારા નગરના વિકાસ માટે પ્રસ્તુત કરેલા જરૂરી બજેટ જોગવાઈ મુજબ વિકાસના દરેક કામોની સમયસર અમલવારીની ચર્ચા પર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં આયોજિત આ બેઠક સવારે 11 વાગ્યે હતી. જે બાદ 12 વાગ્યે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ 12:30 વાગ્યા બાદ શરૂ થયેલ બેઠક બાદ પત્રકારો ને બોલાવી માત્ર ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓને ઇન્ટરવ્યૂ આપી મનપા કમિશ્નરે નણામંત્રીની હાજરીમાં પ્રેસવાર્તા પુરી કરી નાખી હતી. જ્યારે, અન્ય પત્રકારોને કોઈ જ માહિતી આપી નહોતી.
મનપા કમિશ્નર સહિતના અધિકારીઓએ જો માત્ર ઇન્ટરવ્યૂ જ આપવા હતા તો અન્ય પ્રિન્ટ, ડિજિટલ મીડિયાના પ્રતિનિધિઓને શા માટે પ્રેસ કોન્ફરન્સના નામે બોલાવી સમય વેડફયો તેવો પ્રશ્ન અહીં ઉપસ્થિતિ થયો હતો. એ ઉપરાંત શું. મનપા કમિશ્નર પત્રકારોના સવાલોના જવાબો આપવા માંગતા નહોતા એટલે એમણે માત્ર ઇલેક્ટ્રોનિક મીડિયાને જ ઇન્ટરવ્યૂ આપી પ્રેસવાર્તા પણ પૂર્ણવિરામ મૂકી દીધું? પત્રકારોના 2 કલાકના વેડફાયેલા સમય અંગે પણ કેમ કમિશ્નરે કે ના નાણામંત્રીએ કોઈ વસવસો વ્યક્ત કર્યો નહિ? જો આવી જ મનમાની ચલાવવી હતી તો પછી પત્રકારોને શા માટે બોલાવ્યા? શુ? વાપી મનપા માં માત્ર લાલીયાવાડી જ ચાલી રહી છે કે જેને કારણે કમિશ્નરે પત્રકારોને પત્રકાર પરિષદના નામે બોલાવી માત્ર ઇન્ટરવ્યૂમાં પોતાની વાહવાહી કરી અન્ય પત્રકારોને સાંભળવાનું ટાળ્યું?
આ ઘટનાએ આવા અનેક સવાલ ઉભા કર્યાં છે. જે અંગે આ પત્રકાર પરિષદમાં અને બેઠકના અધ્યક્ષ તરીકે આવેલ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ મનપા કમિશનર પાસે ખુલાસો માંગવો જોઈએ એવી લાગણી અન્ય પત્રકારોમાં જોવા મળી રહી છે.