Sunday, December 22News That Matters

વાપીની પેપરમિલ કંપનીમાંથી પાણી નીતરતો નોન રિસાયકેબલ પ્રોસેસ વેસ્ટ ભરી જતા ટ્રક ચાલકને અટકાવી પોલીસે દંડ ભરાવી છોડી મુક્યો?

વાપીની પેપરમિલમાંથી મોટાપાયે નોન રિસાયકેબલ પ્રોસેસ વેસ્ટ નીકળતો હોય છે. આ વેસ્ટ મોટેભાગે સિમેન્ટ ફેક્ટરીઓમાં મોકલવામાં આવે છે. જે માટે GPCB ના નિયમોનું પાલન કરવા સાથે પેપરમિલ સંચાલકો તે મોકલતા હોય છે. જો કે તે માટે વેસ્ટને ભીનો જ મોકલી શકતા નથી. જો કે તેમ છતાં કેટલીક પેપરમિલ કંપનીઓ GPCB ના નિયમોને ઘોળીને પી જવામાં જરા પણ નાનપ અનુભવતા નથી. 


વાપી GIDC માં એક કંપનીમાંથી ટ્રકમાં આવો વેસ્ટ ભરી અમરેલી સિમેન્ટ કંપનીમાં લઈ જઈ રહેલા ટ્રક ચાલક ને VIA ચાર રસ્તા નજીક GIDC પોલીસે અટકાવ્યો હતો. જે બાદ તે અંગેના આધારપુરાવા ચેક કરી ફોન પર વાત કરતા ટ્રક ચાલક પાસે દંડ ભરાવી રવાના કર્યો હતો. આ અંગે મળતી વિગત મુજબ ટ્રક નંબર GJ14-Z-7786 નામની એક ટ્રકમાં ટ્રક ચાલક અમરેલીથી સિમેન્ટ ભરીને વાપી GIDC માં ઠાલવવા આવ્યો હતો. જે સિમેન્ટ ખાલી કરી પરત જતા ટ્રકમાં વાપીની જાણીતી એન. આર. અગરવાલ પેપરમિલમાંથી નોન રિસાયકેબલ પ્રોસેસ વેસ્ટ ભરવામાં આવ્યો હતો. ભીનો અને પાણી નીતરતો આ વેસ્ટ ભરી જતા ટ્રક ચાલકને વાપી ચાર રસ્તા નજીક પોલીસે અટકાવી ટ્રક અને ટ્રક ચાલકને GIDC પોલીસ મથકે લાવવામાં આવ્યા હતાં. જે બાદ આ વેસ્ટ ભરાવનાર શેહજાદ નામના વ્યક્તિને બોલાવી જરૂરી દંડની રકમ ભરાવી રવાના કર્યો હતો.

પરંતુ જે સ્થળે આ ટ્રક ને ઉભી રખાવી હતી. તે સ્થળે વેસ્ટમાંથી નીકળતા પાણીની સતત ધાર રોડ પર વહી રહી હતી. જે અંગે સામાન્ય સંજોગોમાં પોલીસ-GPCB જે કાર્યવાહી કરતી હોય છે તેવી કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવતા માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં અચરજ જોવા મળી હતી. અત્રે નોંધનીય છે કે, કોઈપણ કંપનીમાંથી કોઈપણ પ્રકારનો ભીનો વેસ્ટ લઈ જવા પર GPCB કાર્યવાહી કરતી આવી છે. ત્યારે આ મામલે GPCB તપાસ કરી કોઈ કાર્યવાહી કરશે કે કેમ તેના પર મીટ મંડાઈ છે.


જો કે આ સમગ્ર મામલે નોન રિસાયકેબલ પ્રોસેસ વેસ્ટ ભરી નીકળેલા ટ્રક ડ્રાયવરે જણાવ્યું હતું કે અમરેલીની સિમેન્ટ કંપનીમાંથી સિમેન્ટ ભરી વાપીમાં ખાલી કરી હતી. જે બાદ તેમાં એન. આર. અગરવાલ કંપનીમાંથી આ વેસ્ટ ભર્યો છે. કંપની સંચાલકો ક્યારેક એવો વેસ્ટ સૂકો કે ભીનો ભરી દે છે. જે લઈ અમે અમરેલીની સિમેન્ટ કંપનીમાં ખાલી કરીએ છીએ.


જ્યારે આ સમગ્ર મામલે ટ્રકમાં નોન રિસાયકેબલ પ્રોસેસ વેસ્ટ ભરાવનાર શેહઝાદ શૈખ નામના ઇસમ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ટ્રક ચાલક પાસે વેસ્ટના તમામ આધારપુરાવા હતા. પરંતુ તે ફોન પર વાતચીત કરતો હતો. એટલે તેમને અટકાવી દંડની રકમ ભરાવી રવાના કરી દીધો હતો.


તો, આ અંગે એન. આર. અગ્રવાલ પેપરમિલ ના જોશુઆ મધુકેર સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના વેસ્ટ ને નોન રિસાયકેબલ પ્રોસેસ વેસ્ટ કહેવામાં આવે છે. જે સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતો હોય એવી સિમેન્ટ કંપનીઓ તેને લઈ જાય છે. જે GPCB ના નિયમો મુજબ મોકલવામાં આવે છે. જેનું તમામ મોનીટરીંગ GPCB દ્વારા કરવામાં આવે છે.


ઉલ્લેખનીય છે કે વાપીમાં આવેલી મોટાભાગની પેપરમિલમાંથી આ પ્રકારનો નોન રિસાયકેબલ પ્રોસેસ વેસ્ટ સિમેન્ટ કંપનીઓમાં મોકલવામાં આવે છે. જે મુજબ આ વેસ્ટ પણ સિમેન્ટ કંપનીઓમાં મોકલવામાં આવતો હતો. જેને પોલીસ જવાને અટકાવી ફોન પર વાત કરતા ટ્રક ચાલક પાસેથી દંડ વસુલયો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *