Friday, January 31News That Matters

મોંઘીદાંટ કારમાં ડીઝલ ટેન્ક ફૂલ કરાવી છુમંતર થઈ જતા ધવલસિંહને ભિલાડ પોલીસે દબોચી લીધો, 10 પેટ્રોલપંપને ચુનો લગાડયાનું કબુલ્યું

વલસાડ જિલ્લાના ભિલાડ નજીક નેશનલ હાઇવે નમ્બર 48 પર ગુજરાત અને મહારાષ્ટ્રની હદમાં આવેલ પેટ્રોલપંપ પર મોંઘીદાટ એન્ડીવિયર કારમાં ડીઝલ પુરાવી પૈસા આપ્યા વિના જ રફુચક્કર થઈ જતા કારચાલક ધવલસિંહને આખરે ભિલાડ પોલીસે દબોચી લીધો છે. પોલીસ તપાસમાં ધવલસિંહે કુલ 10 જેટલા પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવ્યાં બાદ પૈસા આપ્યા વિના જ કાર ભગાડી ભાગી જવાના ગુન્હા કબુલ્યા છે.

 

 

ગઈ તારીખ 21/09/2021 ના રોજ નંદીગામ નેશનલ હાઇવે મુંબઇથી સુરત તરફના રોડ ઉપર આવેલ રીલાયન્સ બી.પી. મોબીલીટી લીમીટેડ કંપનીના પેટ્રોલ પંપ ઉપર સફેદ કલરની ફોર્ડ કંપનીની ઇન્ડીવીયર કારનો ચાલક ધવલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા આવી હુ બારકોર્ડ સ્કેનરથી તમોને પેમેન્ટ કરીશ તેમ જણાવી વિશ્વાસ અને ભરોસો આપી કારમાં 5677.77 રૂપિયાનું 58.77 લીટર ડીઝલ ભરાવી ડીઝલના પૈસા આપ્યા વગર સ્પીડમાં કાર લઈ નાસી ગયો હતો.

 

 

જે બનાવની ફરિયાદ પેટ્રોલપંપ સંચાલક દ્વારા ભિલાડ પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી. જે બાદ વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદિપસિંહ ઝાલા તથા નાયબ પોલીસ અધિક્ષક વાપી ડીવીઝનના વી.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ IPC કલમ 406 મુજબ ગુન્હો દાખલ કરી ફરીયાદમાં ફરીયાદીએ જણાવેલ કારના તથા આરોપીના વર્ણન આધારે આરોપીને પકડવા ભિલાડ PSI ભાગવતસિંહ રાઠોડ અને તેમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
જેમાં બાતમી આધારે અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ તથા મેન્યુલ વર્ક આઉટ કરી શનિવારે તલવાડા ખાતેથી ગુન્હામાં વપરાયેલ સફેદ કલરની ફોર્ડ કંપનીની એન્ડીવિયર કાર નંબર- GJ04-AP- 9926 ની સાથે કાર ચાલક આરોપી ધવલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ઉમર વર્ષ 25ને દબોચો લીધો હતો. મોંઘીદાટ કારમાં ડીઝલ પુરાવી ટેન્ક ફૂલ કરાવી પુરઝડપે કાર હંકારી ભાગી જતો ધવલસિંહ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામનો રહીશ છે. અને કન્સ્ટ્રકશન ના ધંધા સાથે સંકળાયેલ છે.
જેને ભિલાડ પોલીસે દબોચી લીધા બાદ આગવી ઢબે પૂછપરછ કરતા ધવલસિંહે જણાવ્યું હતું કે, નંદીગામ નજીકના પેટ્રોલપંપ ની જેમ તેણે ભીલાડ વિસ્તારના અન્ય 3 પેટ્રોલપંપ તથા ઉદવાડા પારડી વિસ્તારના 3 પેટ્રોલપંપ તથા મહારાષ્ટ્ર રાજ્યના વસઈ તથા તલાસરી વિસ્તારમાં 3 પેટ્રોલપંપ ખાતે પણ કારમાં ડીઝલ ભરાવી ડીઝલના પૈસા આપ્યા વગર કાર લઇને નાસી ગયો હતો. છેલ્લા ઘણા સમયથી તે આ રીતે પેટ્રોલપંપ સંચાલકોને ચુનો ચોપડતો હતો. આ કબૂલાત આધારે ભિલાડ પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે પકડાયેલ ઇસમ ધવલસિંહ મોંઘીદાટ કારમાં ફરવાનો અને રાજાશાહી ઠાઠ પાળવાના શોખ ધરાવે છે. તે વલસાડ જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્રના પાલઘર-વસઈના પેટ્રોલપંપ પર ડીઝલ ભરાવી ભાગી જતો હતો તેવા કેસ સેલવાસમાં પણ બન્યા હોય સેલવાસના પેટ્રોલપંપ પર પણ આવા કારનામાં કર્યા હોય શકે તેવી આશંકા આધારે પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. જ્યારે આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ વાયરલ થયા હોય પોલીસે ધવલસિંહને દબોચી લઈ કાયદાનો પાઠ ભણાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *