Wednesday, February 5News That Matters

ધરમપુરના ખાંડા ગામ ખાતે યોજાશે મોરારીબાપુની 934મી રામકથા, આયોજકોએ પત્રકાર પરિષદનું અયોજન કર્યું

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખાંડા કથાકાર મોરારીબાપુની 934મી રામકથા યોજાવાની છે. આગામી 9મી એપ્રિલ 2024થી પ્રારંભ થનારા આ કથાની વિશેષતા અંગે તેમજ જિલ્લાના લોકો કથા અંગે માહિતગાર થાય તેવા ઉદેશથી ધરમપુર સ્થિત લોકમંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પત્રકાર પરિષદ યોજી મહત્વની વિગતો પ્રદાન કરી હતી. ધરમપુર તાલુકાના અંતરિયાળ આદિવાસી ક્ષેત્રના ગામ ખાંડામાં રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂ. મોરારી બાપુ દ્વારા રામકથા ધરમપુર-કપરાડા વિસ્તારમાં પ્રથમ વખત થવા જઈ રહી છે.

સત્ય – પ્રેમ અને કરુણાનો વૈશ્વિક સંદેશ આપનાર સૌના પ્રિય મોરારીબાપુ રામચરિતમાનસનું ગાન કરવા સંવેદના અને સ્વીકારની પીઠિકા લઈને ખાંડા ગામમાં પધારી રહ્યા છે. ખાંડા ગામ ધરમપુર તાલુકા (જિ. વલસાડ)ના અંતરિયાળ વિસ્તારમાં પૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે.

ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં તા. 9મી એપ્રિલ 2024, મંગળવારથી તા. 17મી એપ્રિલ 2024, બુધવાર દરમિયાન (નવ દિવસ) રામકથાનું ગાન ખાંડા ગામની ભૂમિ પર મોરારીબાપુ કરશે. રામકથાના પ્રથમ દિવસ તા. 9મી એપિલ 2024ના દિવસે સાંજે 4-00 કલાકે રહેશે. જ્યારે તા. 10-04-2024 થી તા. 17-04-2024ના રામકથાની સમય સવારે 10 થી 1 નો રહેશે. રામકથા દરમિયાન પ્રભુપ્રસાદ (ભોજન)ની વ્યવસ્થા રાખેલ છે. સૌને કથાશ્રવણ કરવા અને પ્રભુપ્રસાદ લેવા હાર્દિક નિમંત્રણ છે.

ખાંડા અને આસપાસના ગ્રામજનોએ ઉત્સાહ અને ભક્તિપૂર્વક કથા આયોજન માટે જહેમત ઉઠાવી કથા સ્થળ પાર્કિંગ, રસોડાની વ્યવસ્થા માટેની જગ્યાઓ તૈયાર કરી છે. આ કથાના નિમિતમાત્ર યજમાન અને કથા મનોરથી જગદીશભાઇ – વીણાબેન પટેલ તથા મહેશભાઈ – કિન્નરી અને પરિવાર(USA) છે અને આયોજનની સેવા પરેશભાઈ ફાફડાવાલા કરશે.

આદિવાસી વિકાસ સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા 27 મે 2019માં સમૂહલગ્નનું આયોજન કર્યું હતું. 1251 દીકરીઓના સમૂહલગ્નનું આ આયોજન જૂજવા (વલસાડ) ગામે કરવામાં આવેલ હતું ત્યારે, મોરારીબાપુએ એમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આ કન્યાદાન મહોત્સવમાં એક સાધુ તરીકે હું એક કથા તમારી વચ્ચે આવીને કરીશ, તમારી વચ્ચે રહીશ, તમારા રોટલા ખાઈશ, રામાયણની પોથી લઈને આવીશ અને કથા કરીશ.”

2019 પછી કોરોના અને અન્ય કારણોના લીધે કથાનું આયોજન લંબાયું હતું એ રામકથાનો પ્રેમયજ્ઞ ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામ ખાંડામાં તા. 09 એપ્રિલ થી 17 એપ્રિલ, 2024 ચૈત્ર નવરાત્રી દરમિયાન થવા જઈ રહ્યો છે. મોરારી બાપુ ખાંડા ગામમાં જ નવ દિવસ રોકાશે અને સૌને પ્રેમથી મળશે.

તુલસીકૃત રામાયણની પંક્તિ છે કે, “રામ હી કેવળ પ્રેમ પિયારા’ એ નાતે રામકથાનો પ્રેમયજ્ઞ યોજાયો છે ત્યારે સૌના પ્રિય મોરારીબાપુના શ્રીમુખે યોજાયેલ રામકથામાં પધારવા આયોજકોએ સૌને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *