વાપી નગરપાલિકા વિસ્તારમાં વરસાદમાં તૂટતા રસ્તાઓ, ગટર, રમતગમત માટે મેદાનના વિકાસ સહિતના અંદાજિત 6 કરોડના વિકાસના કામોનું નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વાપીના પ્રણામી મંદિર ખાતેથી પાલિકાના સત્તાધીશોની ઉપસ્થિતિમાં ખાતમુહરત કર્યું હતું.
વાપીમાં વાપી નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોના ખાતમુહરતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે અંદાજિત 6 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વરસતા વરસાદ વચ્ચે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વાપી નગરપાલિકા વિસ્તારમાં આવેલ પ્રણામી મંદિર ખાતે વોર્ડ નંબર 9માં આવેલ રેલવે ગરનાળાથી ખડકલા બ્રિજ સુધીની નામધા ખાડીને પહોળી કરવાના અને લાઇનિંગ કરવાના 504.89 લાખના ખર્ચે RCC ગટર બનાવવાના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.

એ ઉપરાંત નાણાપ્રધાને વોર્ડ નંબર 8માં પ્રણામી મંદિરથી કચીગામ રોડ અને આંતરિક ગલીઓ માટે 55.64લાખના ખર્ચે RCC રોડ, વ્હોરા મસ્જિદથી કચીગામને જોડતા રોડ અને આંતરિક ગલીઓમાં RCC રોડ માટે 86.41 લાખના ખર્ચે તૈયાર થનાર વિકાસના કામોનું, વાપી નગરપાલિકા ઓફીસ બિલ્ડીંગને લાગુ કુમારશાળા રમતગમતના મેદાનના વિકાસ માટે 48.26 લાખના ખર્ચે મેદાનને નવો લુક આપવા સહિતના કામોનું ખાતમુહરત કર્યું હતું.

આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ વાપી નગરપાલિકાના પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારો, ચિફઓફિસરની ટીમ વિકાસના કાર્યો માટે સક્રિય છે તેમ જણાવી, 15મી ઓગસ્ટ 76માં આઝાદી પર્વના બીજા જ દિવસથી અંદાજિત 6 કરોડના વિકાસના કામોનું ખાત મુહરત કરવામાં આવ્યું છે. આવા જ વિકાસના કામો કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
ખાતમુહરત કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેષ દેસાઈ, ચીફ ઓફિસર શૈલેશ પટેલ સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. હવે જોવુ રહ્યું કે પાલિકાના આ વિકાસનું ખાતમુહરત નિયત સમયમાં સાકાર થાય છે કે પછી અન્ય વિકાસના કામોની જેમ ઘોંચ માં પડશે.