વલસાડ સુગર ફેક્ટરીમાં 18000 સભાસદો છે ગુજરાતમાં આ ફેક્ટરી એક સમય પ્રસિદ્ધ નામના ધરાવતી ફેક્ટરી હતી શેરડીનું ખૂબ જ મોટું ઉત્પાદન થતું હતું જેને કારણે વલસાડ સુગરનું એક્સપાન્શન પણ કરવામાં આવ્યું હતું. જો કે તે બાદ શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે બાગાયત તરફ ખેડૂતો વળી જતા હાલ શેરડીનો પૂરતો જથ્થો મળતો નથી અને પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની છે.
ફેક્ટરીની હાલની પરિસ્થિતિ અને સરકારે તે માટે શું કરવું જોઈએ તે અંગે વલસાડ સુગર ફેકટરી(શ્રી વલસાડ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લીમીટેડ)ના ચેરમેન અરવિંદભાઈ ઉર્ફે જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકારે FRP પોલીસી બનાવી છે. જે અંતર્ગત નક્કી કરેલા ભાવ ખેડૂતોને આપવા પડે છે. હાલમાં કટિંગ-કાર્ટિંગ સાથે 3200 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. જેની સામે ખાંડનો ભાવ પણ 3200 રૂપિયા જ છે. મોલાસીસ દ્વારા 400 રૂપિયાની આવક થાય છે. જે સરખામણીએ ખેડૂતોને થતું ચુકવણું અને અન્ય ખર્ચ વધી જાય છે એ ઉપરાંત એક વર્ષ સુધી ખાંડને ગોડાઉનમાં રાખવી પડે છે જેનું વ્યાજ પણ માથે પડે છે. એટલે ફેક્ટરીને 10 થી 15 કરોડની ખોટ જઈ રહી છે.
ગુજરાતમાં વલસાડ સુગરની જેમ અન્ય કેટલીક સુગર ફેકટરીઓ પણ છે. જે પણ ખોટ કરી રહી છે. આવી ફેકટરીઓ ને ફરી નફો કરતી કરવા અને ધમધમતી કરવા માટે સરકારે ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે એક કમિટી બનાવવી જોઈએ, આ કમિટી ફેકટરીનું મેનેજમેન્ટ કેવું છે. મશીનરી કેવી છે. પ્રોડક્શનમાં ક્યાં ઉણપ છે તે તમામ પાસાને ચેક કરી. જો મેનેજમેન્ટ નબળું હોય તો તેને બદલવા સાથે દરેક સમસ્યાનું નિરાકરણ લાવે તો જ ફેક્ટરીને બંધ થતી અટકાવવી શકાય. તેવું ચેરમેન રવિંદભાઈનું માનવું છે.