ઉમરગામ તાલુકાના સોલસુંબા ગ્રામ પંચાયતમાં ACB એ ગોઠવેલ લાંચ ના છટકામાં ડેપ્યુટી સરપંચ અને ક્લાર્ક ઝડપાઇ જતા ચકચાર મચી ગઇ છે. ACB એ ફરિયાદીની કારમાંથી 3 લાખ ની લાંચ સ્વીકારતા હંગામી ક્લાર્ક અને ડેપ્યુટી સરપંચ ની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાંચ ની આ ચકચારી ઘટના અંગે ACB એ આપેલ વિગત મુજબ તેમને જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી કે, ઉમરગામ તાલુકાના સોલસુંબા ગામે વડીલોપાર્જિત બીનખેતીની જમીન ઉપર રહેણાંક મકાન તથા વાણિજય પ્રકારનું બાંધકામ કરવા માંગતા હતાં. જે માટે સોળસુંબા ગામ પંચાયતમાંથી બાંધકામની રજાચીઠ્ઠી/ઠરાવની જરૂર હતી જે લેવા જતા ડેપ્યુટી સરપંચ અમીતકુમાર મણિલાલ પટેલે 15 લાખની લાંચ ની માંગણી કરી હતી. જે અંતે 12 લાખમાં નક્કી કરાઈ હતી. આ રકમ ફરિયાદી આપવા માંગતા નહોતા જેથી તેમણે ACB માં ફરિયાદ કરી હતી.
આ ફરિયાદ આધારે ટ્રેપીંગ અધિકારી એ. કે. ચૌહાણ, પોલીસ ઇન્સપેકટર(ફિલ્ડ), એસીબી સુરત એકમ તથા સ્ટાફે સુપર વિઝન અધિકારી પી.એચ.ભેસાણીયા, મદદનીશ નિયામક, ઇન્ચાર્જ એસીબી સુરત એકમ, સુરતના માર્ગદર્શનમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં લાંચની 12 લાખની રકમમાંથી પાર્ટ પેમેન્ટ 3 લાખ આપવાનું નક્કી કરી ટ્રેપ ગોઠવી હતી. જે રકમ સોળસુંબા ગામ પંચાયત કચેરીની બહાર ગેટ પાસે ફરીયાદીની ગાડીમાંથી સ્વીકારી
હંગામી ક્લાર્ક કૃષાંગ હિતેશભાઈ ચંદારાણાએ ડેપ્યુટી સરપંચ અમિત પટેલને ફોન પર જણાવતી વખતે 3 લાખની રકમ સાથે ઝડપી લીધો હતો. જે બાદ તાત્કાલિક ડેપ્યુટી સરપંચ અમિત પટેલ અને હંગામી ક્લાર્કની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.