વલસાડ જિલ્લાના વાપીના પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતા અને જીવાદોરી સમાન હયાત રેલવે ઓવરબ્રિજ રેલવે ચે. 172/16-18 (ડી.એફ.સી.ચે.13+ 523.289 કી.મી) ને તોડવાનો હોવાથી હયાત બ્રિજ પરના ટ્રાફિકને ડાઈવર્જન આપવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રેએ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33(1) હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે. તો, રેલવે ઓવરબ્રિજને તોડી પાડતા પહેલા નગરપાલિકાના અધિકારીઓએ લાગુ એજન્સીઓના અધિકારીઓ સાથે બ્રિજના બન્ને છેડે સ્થળ મુલાકાત લઈ વિવિધ સમસ્યાઓ અંગે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતાં.
બ્રિજને તોડી પાડવા અંગે પ્રસિદ્ધ થયેલ જાહેરનામામાં કલેકટરે જણાવ્યું છે કે, ઉપરોક્ત બ્રિજના ટ્રાફિકમાં મોટા વાહનો બલીઠા ફાટક ઉપરથી અવર જવર કરી શકશે. નાના વાહનો અન્ડર પાસ તથા રેલવે દ્વારા બનાવવામાં આવેલા નવા ફાટક, કબ્રસ્તાન રોડ, કસ્ટમ રોડ ઉપરથી અવર જવર કરી શકશે. આ બ્રિજને સદંતર બંધ કરવામાં આવનાર છે. જે અંગે કોઈ નાગરિકને વાંધો/સૂચનો/રજૂઆતો હોઈ તો તેમના વાંધા/સૂચનો/રજૂઆતો તા.13 ડિસેમ્બર 2022 ના રોજ સાંજના 17:00 કલાક સુધીમાં કલેકટર કચેરી, પ્રથમ માળ, તિથલ રોડ,વલસાડ ખાતે મોકલી આપવા જણાવાયું છે. ઉપરોક્ત સમય મર્યાદા બહાર આવેલી રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહિ અને હયાત રેલવે બ્રિજના ટ્રાફિકને ડાયવર્ટ કરવા જાહેરનામુ બહાર પાડવામાં આવશે જેની સર્વે નાગરિકોને નોંધ લેવા જાહેરનામામાં જણાવાયુ છે.
તો, નગરપાલિકાના ચિફઓફિસર શૈલેષ પટેલ સહિત પાલિકાના વોટર વર્કસ વિભાગના સંજય ઝા, સીટી ઈજનેર કલ્પેશ શાહ, ઓવર્સીયર રામચંદ્ર સહિત PWD વિભાગના ઈજનેર તેમજ ગેસ એજન્સી, GEB, ટાઉન પ્લાનિંગ ઓફિસર જમીન સંપાદન વિભાગ સહિતના અધિકારીઓએ બ્રિજના પૂર્વ તરફના છેડે PWD ઓફિસથી જુના રેલવે ફાટક સુધીના સ્થળનું નિરીક્ષણ કરી લાગુ એજન્સીઓના અધિકારીઓ-કર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી. તમામે બ્રિજના નકશા લે આઉટ સાથે બ્રિજને લાગુ આસપાસના વિસ્તારમાં આવતી મિલકતોની નિરીક્ષણ કર્યું હતું. જે અંગે જરૂરી સૂચનો પણ પાલિકા ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વાપીનો હયાત રેલવે ઓવરબ્રિજ જર્જરિત થઈ ચૂક્યો હોય તેમજ ટ્રાફિકને ધ્યાનમાં રાખી ચાર માર્ગીય બનાવવાની તાતી જરીરીયાત હોય 2 વર્ષ પહેલાથી 150 કરોડના ખર્ચે નવો બ્રિજ મંજુર કરવામા આવ્યો હતો. પરંતુ ટ્રાફિકના ડાયવર્ટ રૂટની સમસ્યાને કારણે તેને તોડી પાડવાનું મુહરત આવતું નહોતું. જે હવે કલેકટરના જાહેરનામા સાથે મુહરતની ઘડી આવી છે. ત્યારે વાપીમાં આ બ્રિજને તોડી પાડી નવો બનશે ત્યાં સુધીના અંદાજિત 2 વર્ષ સુધી વાપીની જનતાએ પારાવાર હાલાકી ભોગવવી પડશે.