વાપી :- વલસાડ જિલ્લાના સરીગામ GIDC માં આવેલ સર્વાઇવલ ટેક્નોલોજીસ્ટ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં સોમવારે 12:11 વાગ્યે રીએકટરમાં બ્લાસ્ટ થતા 1 કામદારનું મોત થયું છે. જ્યારે બ્લાસ્ટના જોરદાર અવાજથી 2 કામદારોમાં શ્રવણશક્તિ છીનવાઈ ગઈ છે. બ્લાસ્ટનો અવાજ એટલો મોટો હતો કે અડધો કિલોમીટર વિસ્તારમાં લોકોએ ધરતીકંપ જેવી ધ્રુજારીનો અનુભવ કરતા ગભરાટનો માહોલ ફેલાયો હતો. જ્યારે કંપનીમાં પણ મોટાપાયે નુકસાન થયું છે. ઘટના બાદ fire, પોલીસ અને GPCB એ વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના સરીગામ GIDC માં આવેલ સર્વાઇવલ ટેક્નોલોજીસ્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં જન્માષ્ટમીના પાવન પર્વના દિવસે જ બ્લાસ્ટ થતા અરેરાટી મચી ગઇ છે. આ બ્લાસ્ટમાં 1 કામદારનું મોત અને 2 કામદારોની શ્રવણશક્તિ છીનવાઈ ગઈ છે. ઘટનામાં કંપનીમાં મોટાપાયે નુકસાન થયું છે. બ્લાસ્ટની તીવ્રતા એટલી મોટી હતી કે અડધો કિલોમીટર વિસ્તારમા લોકોએ ધરતી કંપનો આંચકો આવ્યો હોય તેવો અનુભવ કરતા ગભરાટનો માહોલ ફેલાયો હતો.
રીએક્ટર બ્લાસ્ટ ઘટના બાદ સરીગામ ફાયર, ભિલાડ પોલીસ, કંપનીના સંચાલક અને GPCB ની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જે અંગે સરીગામ ફાયરના ફાયર ઓફિસર સનત સોનીએ વિગતો આપી હતી કે સર્વાઇવલ કંપનીમાં સોમવારે 12:11 વાગ્યે કંપનીના પ્લાન્ટમાં આવેલ રીએક્ટરમાં આ બ્લાસ્ટ થયો હતો. જેમાં મૂળ સતના જિલ્લાના અનુરાગ સિંહ નામના કામદારનું મોત થયું છે. બ્લાસ્ટમાં તેના શરીરના ચીંથડા ઉડયા હોય એવું કમકમાટી ભર્યું મોત થયું છે. જ્યારે અન્ય 2 કામદારો જયરામ અને સુખરામ બ્લાસ્ટના ધડાકાના કારણે પોતાની સાંભળવાની શક્તિ ખોઈ બેઠા છે.
પ્રાથમિક તપાસમાં મળેલી વિગતો મુજબ સવારે કંપનીમાં જે પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો તેમાં 4 કામદારો કામ કરી રહ્યા છે. જેમાં 1 કામદાર બહાર ગયો હતો જ્યારે 3 કામદારો પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતાં ત્યારે રીએક્ટરમાં તાપમાન નહિ જળવતા અચાનક બ્લાસ્ટ થયો હતો. અને બ્લાસ્ટની નજીકમાં કામ કરતા અનુરાગ સિંહ નામના કામદારનું મોત થયું છે. 2 કામદારો સાંભળવાની શક્તિ ગુમાવી બેઠા છે. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઇ છે.
ઉલ્લેખનીય છે કે સર્વાઇવલ કંપની માં દવાની ટેબ્લેટ્સ બને છે. અને આ કંપનીમાં આ પહેલા પણ આવી ઘટના બની ચુકી છે. એ ઉપરાંત ગત વર્ષે આ જ કંપનીમાં કેમિકલને કંપની પરિસરમાં જ ખાડા ખોદી દાટી દેવા સહિત પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ GPCB એ લાખોનો દંડ કર્યો હતો. જ્યારે ફરી એકવાર કંપનીમાં આ ઘટના ઘટતા આસપાસના લોકોમાં પણ આક્રોશ ફેલાયો છે.