Friday, October 18News That Matters

સેલવાસમાં ગટર સફાઈ કરવા ઉતરેલા 3 કામદારોના મોત, નેતાઓની સુરક્ષા માટે કરોડોની જોગવાઈ છે, પણ ગટર સાફ કરનારા માટે નથી!

સેલવાસ :- Union Territory દાદરા નગર હવેલી (DNH)ના ડોકમરડીમાં APJ અબ્દુલ કલામ કોલેજ નજીક આહીર ફળિયામાં આવેલ ગૌશાળા પાસે Pre-Monsoon કામગીરી દરમ્યાન 3 શ્રમિકો ગટર (sewer)ની સફાઈ કરી રહ્યા હતાં. ત્યારે એક workerનો પગ સ્લીપ થતા તે ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. જેને બચાવવા બીજા 2 કામદાર પણ ગટરમાં ઉતરતા ત્રણેયના ગૂંગળાઈને મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. જો કે આ સમગ્ર ઘટનામાં નગરપાલિકાના કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ છે. એ સાથે જ “Prohibition of Employment as Manual Scavengers and Their Rehabilitation Act” નો ભંગ પણ કર્યો છે.
દેશમાં બે હાથ વડે બીજાના મળની સફાઈ પર પ્રતિબંધને લગતો “Prohibition of Employment as Manual Scavengers and Their Rehabilitation Act” 2013થી હોવા છતાં મ્યુનિસિપાલિટીના સફાઈ કોન્ટ્રાક્ટરો તેને ગણકારતા નથી. તે વાત ફરી એકવાર દાદરા નગર હવેલીમાં ફલિત થઈ છે. મેન્યુઅલ સ્કેવેન્જિન્ગ એટલે કર્મચારીએ માથે મેલું ઉપાડવું, બીજાઓનો મળ પોતાના હાથથી, ઓજાર વિના કે અપૂરતાં ઓજારથી સાફ કરવો, મોટે ભાગે તો આખું શરીર ગટરમાં ઊતારીને તેને સાફ કરવી અને આવાં તમામ કામનો સમાવેશ મેન્યુઅલ સ્કૅવેન્જિન્ગમાં થાય છે.
મૅન્યુઅલ સ્કૅવેન્જર્સ તરીકેની નોકરી આપવા ઉપર અને સ્વચ્છતા માટેની વ્યવસ્થા વિનાનાં શૌચાલયો બાંધવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તદુપરાંત સલામતીનાં સાધનો વિના ગમે તેવી કટોકટીમાં પણ ખાળકુવા કે ગટરની સફાઈ કરાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે, પણ આ કાયદો માત્ર કાગળ પર હોય તેમ સેલવાસની ઘટના બાદ સામે આવ્યું છે.
ગુરુવારે દાદરા નગર હવેલીના ડોકમરડી વિસ્તારમાં આવેલ આહીર ફળિયામાં ગૌશાળા નજીક નગરપાલિકાના કોન્ટ્રકટર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત ગટરની સાફસફાઈ માટે કામદારોને મોકલવામાં આવ્યાં હતાં. ગટરની સફાઈનું કામ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન એક કામદારનો પગ સ્લીપ થતા ગટરના ખુલ્લા ઢાંકણામાંથી ગટરમાં પડી ગયો હતો.
ગટરમાં પડી ગયેલા સફાઈકર્મીએ બુમાબુમ કરતા તેને બચાવવા બીજો કામદાર પણ ગટરમાં ઉતર્યો હતો. જે બંને પરત નહિ આવતા ગટરની સફાઈનું કામકાજ સાંભળતો સુપરવાઈઝર પણ ગટરમાં ઉતર્યો હતો. રાજેશ, ઈશ્વર અને ધાર્મિક નામના આ ત્રણેય કામદારો ગટરમાં ઉતર્યા બાદ ગૂંગળાઈને મૃત્યુ પામ્યા હતા. જેથી તેમની સાથે કામ કરવા આવેલા અન્ય કામદારોમાં અરેરાટી ફેલાઈ હતી.
ઘટનાની જાણ તાત્કાલિક સેલવાસ કલેકટર સંદીપ કુમાર સિંઘ ને થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. એ સાથે નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર, મામલતદાર સહિતના કાફલાએ ઘટના સ્થળની મુલાકાત લઈ ફાયર અને પોલીસને સૂચના આપી ગટરની આસપાસની જમીન JCB વડે ખોદાવી ચારેક કલાકની જહેમત બાદ ત્રણેય કામદારોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં હતાં.
મૂળ ગુજરાતના ગોધરાના ત્રણેય કામદારોના મૃત્યુથી તેમના પરિવારમાં આક્રંદ ફાટી નીકળ્યું હતું. ગરીબ કામદારોની પત્નીએ નાના બાળકો સાથે હૈયાફાટ આક્રંદ કરતા વાતાવરણમાં ગમગીની પ્રસરી હતી. મળતી વિગતો મુજબ ગટર સફાઈ મામલે કોન્ટ્રકટર દ્વારા પહેલેથી બેદરકારી દાખવવામાં આવતી હતી. તેમજ “Prohibition of Employment as Manual Scavengers and Their Rehabilitation Act” નો પણ ભંગ કર્યો છે.
 
ઉલ્લેખનીય છે કે સરકાર પાસે નેતાઓનાં સુરક્ષા કવચ માટે કરોડોની જોગવાઈ છે, પણ ગટરવાળાના સલામતીસૂટ માટે નથી. ત્યારે આ સમગ્ર મામલે પ્રશાસન અને નગરપાલિકા મૃત્યુ પામનાર કામદારોના પરિવારને ન્યાય અપાવી આ મામલે જેની પણ બેદરકારી હોય તેની સામે પગલાં ભરશે કે કેમ તેના પર સૌ કોઈ મીટ માંડીને બેઠા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *