દમણના જાણીતા કવિ અને લેખક કે. સી. સેઠી હવે વિશ્વ રેકોર્ડ બનાવનાર પ્રતિભાશાળી લોકોની પ્રતિભાને સન્માનિત કરી દુનિયા સમક્ષ મુકશે. આ માટે શનિવારે દમણમાં શિવમ પ્લાઝા બિલ્ડીંગ ખાતે દમણ દિવના સાંસદ લાલુભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે જેમ્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોર્ટલને લોન્ચ કર્યું હતું. પોર્ટલ લૉન્ચના પ્રથમ દિવસે મેરઠની આર્ટિસ્ટ અને લેખક એવી સરિતા ચૌહાણને સર્ટિફિકેટ એનાયત કર્યું હતું. આ સંસ્થાની તે પ્રથમ વિશ્વ રેકોર્ડ ધારક બની છે.
જેમ્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોર્ટલ અંગે તેમજ સંસ્થા ક્યાં ક્યાં ફિલ્ડમાં કોને કોને વિશ્વ રેકોર્ડના સર્ટિફિકેટ આપી શકશે તે અંગે કે. સી. સેઠી એ જણાવ્યું હતું કે,
જેમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વિવિધ ક્ષેત્રમાં વિશ્વ રેકોર્ડ નોંધાવનાર વ્યક્તિ વિશેષને સર્ટિફિકેટ આપી સન્માનિત કરે છે. તે મુજબ જેમ્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોર્ટલ પણ વિશ્વ રેકોર્ડ બનાવનાર વ્યક્તિઓને સન્માન કરી સર્ટિફિકેટ આપશે.
દમણથી શરૂ થયેલ જેમ્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સંસ્થાએ યુ.એસ સ્થિત કંપની સાથે ટાઇ-અપ કરી દરેક પ્રતિસ્પર્ધી ની પસંદગી માટે જરૂરી તાલીમ મેળવી છે. વિશ્વ રેકોર્ડ માટે રજિસ્ટ્રેશન કરાવનારે 100 ડોલરની ફી ચુકવવાની રહેશે જે નહિ નફો નહિ નુકસાનના ધોરણે છે. તમામ રજિસ્ટ્રેશનની નિષ્ણાત ટીમ દ્વારા ચકાસણી કર્યા બાદ પસંદગી કરવામાં આવશે.
પોર્ટલ લૉન્ચના પ્રથમ દિવસે મેરઠની સરિતા ચૌહાણને માત્ર ચાર લાઈનની કવિતાઓ બદલ સન્માનિત કર્યા છે. આ પ્રસંગે દમણ-દિવના સાંસદ લાલભાઈ પટેલના હસ્તે પોર્ટલનું ઉદ્ઘાટન થયા બાદ સરિતા ચૌહાણને જેમ્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ, લોગો સાથેનું ટી-શર્ટ પ્રદાન કરવામાં આવ્યું હતું.
જેમ્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની પ્રથમ રેકોર્ડ ધારક બનનાર સરિતા ચૌહાણે જણાવ્યું હતું કે, તેઓ મેરઠની બી.એડ કોલેજમાં સેક્રેટરી છે. શિક્ષિત પરિવારમાંથી આવે છે. વિશ્વભરમાં ભ્રમણ કરી ચૂક્યા છે. તેઓ પોતે આર્ટિસ્ટ અને લેખક હોય માત્ર ચાર લાઈનની કવિતાઓ લખે છે. આવી 155 કવિતાઓ સાથેનું એક પુસ્તક તેમણે લખ્યું છે. જે અંગે જેમ્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરાવી હતી. જેમાં તેમની પસંદગી થતા આ સંસ્થાની પ્રથમ રેકોર્ડ ધારક સભ્ય બની છે. સરિતા ચૌહાણે લખેલ ચાર લાઈનની કવિતાનું પુસ્તક હિન્દી, અંગ્રેજી, ફ્રેન્ચ અને સ્પેનિશ એમ 4 ભાષામાં છે.
જેમ્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની પ્રથમ રેકોર્ડ ધારક બનવાની ખુશી વ્યક્ત કરતા સરિતા ચૌહાણે દેશના યુવાનોને અપીલ કરી હતી કે, યુવાનોએ શિક્ષણ ક્ષેત્રે હંમેશા આગળ વધતું રહેવું જોઈએ. વાંચન પ્રત્યે જેટલો વધુ અભિગમ ધરાવશે, પુસ્તકોના જ્ઞાનરૂપી સાગરમાંથી નવી જાણકારી મેળવશે તેટલા વધુ સફળ થઈ શકશે.
આ પોર્ટલના ઉદ્ઘાટન માટે વિશેષ ઉપસ્થિત રહેલા દમણ દિવના સાંસદ લાલુભાઈ પટેલે તમામને અભિનંદન આપી જણાવ્યું હતું કે આ પ્રયાસ સરાહનીયા છે. દમણમાં દમણ પ્રશાસન દ્વારા અનેક એવોર્ડ મેળવ્યા છે એ જ રીતે હવે દમણમાંથી આ સંસ્થા દુનિયાના પ્રતિભાશાળી લોકોને એવોર્ડ એનાયત કરશે. જે ખૂબ જ ખુશીની વાત છે.
ઉલ્લેખનીય છે કે, જેમ્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સંસ્થાના ઉદ્ઘાટન પ્રસંગે દમણ ટુરિઝમ તરફથી બ્રહ્માનંદ રેડ્ડી, દમણના જાણીતા આર્ટિસ્ટ, પ્રિન્સિપાલ અને સંસ્થામાં પોતાનું યોગદાન આપનાર મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓનું પણ કે. સી. સેઠી, સુનિતા સેઠી એ સન્માન કરી પ્રશસ્તિપત્ર એનાયત કર્યા હતાં. આ પોર્ટલ પર અનોખી પ્રતિભા ધરાવનાર કોઈ પણ વ્યક્તિ વિશ્વના કોઈપણ ખૂણેથી પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. કમિટી દ્વારા તેની ચકાસણી બાદ પસંદગી કરી વિશ્વ રેકોર્ડ બદલ સર્ટિફિકેટ પ્રદાન કરશે.