દમણના સોમનાથમાં આવેલી આર. કે. ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી વખતે 45 વર્ષીય કામદારનો હાથ મશીનમાં આવી ગયા બાદ કંપની સંચાલકની લાપરવાહીએ કામદારનો હાથ કાપવો પડ્યો છે. આટલી મોટી ઘટના બાદ પણ બેદરકાર કંપની માલિકને સજા કરવાને બદલે તેમજ ગરીબ કામદારના પરિવારને વળતર અપાવવાને બદલે પોલીસ અને તંત્ર કંપનીના માલિકને છાવરી રહ્યા હોય ગરીબ કામદારનો પરિવાર નોંધારો બન્યો છે.
આ અરેરાટી જનક ઘટના અંગે વિગતો એવી છે કે દમણના સોમનાથ ઔદ્યોગિક વસાહતમાં 5મી ઓગસ્ટના મોહમદ ઇકલાખ રાહીની નામનો કામદાર પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં કામ પર ગયો હતો. કંપનીમાં મશીન ઓપરેટરે મશીન ચાલુ કર્યું હતું. ત્યારે ગ્રાઉન્ડર મશીનમાં ખાલી બોરી ફસાઈ ગઈ હતી. જેને કાઢવા જતા મોહમદનો હાથ મશીનમાં આવી ગયો હતો. અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

ઘટનાની જાણ તાત્કાલિક કંપની માલિક રફીકુદ્દીન ને કરવામાં આવી હતી. પરંતુ, આ ગંભીર ઘટના બાદ બેદરકાર કંપની સંચાલકે તેને સમયસર હોસ્પિટલમાં પહોંચાડવા ઇમર્જન્સી એમ્બ્યુલન્સ બોલાવવાની પણ દરકાર લીધી નહિ અને સમગ્ર ઘટના પર પડદો પાડી દેવા રિક્ષામાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

જો કે ખાનગી હોસ્પિટલવાળાઓએ ઘટનાની ગંભીરતા જોઈ દમણની સરકારી મરવડ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની નાજુક પરિસ્થિતિ જોતા વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં 5 કલાક જેટલો સમય નીકળી ગયો હતો. તેમજ હોસ્પિટલમાં નિર્દયી તબીબોએ તાત્કાલિક ઓપરેશન કરવાને બદલે પહેલા 50 હજાર રૂપિયા જમા કરાવવાની વાત કરી ઓપરશન કર્યું નહિ. અને માલિક રફીકુદ્દીને સમયસર આવી પૈસા જમા કરાવ્યા નહિ જેને કારણે હાથમાં પોઇઝન વધી જતા 5 દિવસની સારવાર બાદ 10મી ઓગસ્ટના આખરે કામદારનો હાથ જ કાપવો પડ્યો હતો.

આ ગંભીર ઘટના અંગે કામદાર અને તેની પત્નીએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ઓપરેશન માટે 50 હજારની જરૂર હતી. ત્યારે અનેક કાકલૂદી કર્યા બાદ કંપનીનો માલિક આવ્યો હતો. અને પૈસા આપ્યા હતાં. પોતાના પતિના હાથને બચાવવા તબીબો સામે પણ અનેકવાર આજીજી કરી હતી. તેમ છતાં તેઓએ પણ તેમનું સાંભળ્યું નહોતું અને પૈસા જમા કરાવ્યા બાદ જ ઓપરેશન કર્યું હતું. કંપની માલિક રફીકુદ્દીનની લાપરવાહી અને તબીબોની નિર્દયતાને કારણે પરિવારના મોભીનો હાથ છીનવાઈ ગયો છે.

તો, આ ગંભીર બેદરકારીમાં પોલીસ પણ કંપની માલિકને છાવરી રહી હોવાના આક્ષેપ કામદારની પત્નીએ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે કંપની માલિકે સારવારના 2 લાખ રૂપિયા જ આપ્યા હોવા છતાં પોલીસ સામે 3 લાખ આપ્યા હોવાનું નિવેદન આપ્યું છે. અને તેમનો પતિ 15 દિવસથી કામ કરતો હતો તેમ છતાં ખોટું બોલી અકસ્માત થયો તે પ્રથમ દિવસ હોવાનું જણાવી વળતર આપવામાંથી છટકી રહ્યો છે. અત્યારે કામદારને ઘરે ખાવાના પણ ફાંફાં છે. હજુ પણ દવાનો ખર્ચ કરવો પડી રહ્યો છે તેમ છતાં કંપની માલિક કોઈ જ મદદ કરવા આગળ આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે જે કંપનીમાં આ ઘટના ઘટી છે તે આર. કે. ઇન્ડસ્ટ્રીઝમાં તે દિવસે પ્લાન્ટનું ઉદ્ઘાટન હતું. અને તમામ મશીનરી ઓપરેટર પાસે શરૂ કરાવી હતી. એ પહેલાં 15 દિવસથી ઇજાગ્રસ્ત કામદાર તેમાં કામ કરી રહ્યો હતો. તેવું કામદારનું કહેવું છે. ત્યારે આ મામલે ફેકટરી ઇન્સ્પેકટર અને પોલીસ યોગ્ય કાર્યવાહી કરી એક હાથ ગુમાવનાર કામદારના પરિવારને વળતર અપાવી માનવતાની મિશાલ કાયમ કરે તે ઇચ્છનીય છે.