દમણમાં સુકર શેઠ તરીકે જાણીતા અને દમણમાં કરોડોની મિલકત ધરાવતા સુકર નારાયણ બખિયાના પરિવારે દમણના દેવકા બીચના વિકાસ માટે પોતાની કરોડોની જમીન અને હોટેલને તોડવાની સહમતી આપી દેતા રવિવારે પ્રશાસને હોટેલ સાગર સન ને તોડી કરોડોના ખર્ચે નિર્માણ થનારા રમણીય સી-ફેસ પ્રોજેકટને આગળ ધપાવ્યો છે.
દમણ :- કેન્દ્રશાસિત પ્રદેશ દમણના દેવકા બીચ પર આકાર લેનારા કરોડોના વિકાસના પ્રોજેકટમાં અડચણ બનેલી સાગર સન હોટેલને રવિવારે પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવી હતી. દેવકા સી-ફેસ પર આકાર લેનાર પ્રોજેકટ વચ્ચે દમણના જાણીતા સુકર શેઠની હોટેલ અને કરોડોની જમીન આવતી હતી. જે અંગે પ્રશાસન અને સુકર શેઠના પરિવારે એકબીજા સાથે સહમતી કરી લેતા હવે દમણના મહત્વાકાંક્ષી પ્રોજેકટને લીલીઝંડી મળી છે.
રવિવારે દમણના મરવડ વિસ્તારમાં દેવકા બીચ પર આવેલ દમણની સૌથી જૂની અને જાણીતી હોટેલ સાગર સનને તોડી પાડવામાં આવી હતી. આ હોટેલ દમણના જાણીતા સુકર નારાયણ બખિયાની હતી. સુકર બખિયા દમણમાં એક સમયે દાણચોરી માં અને દાતારીમાં ખૂબ મોટું નામ ગણાતું હતું. તેણે વર્ષ 1994માં દેવકા બીચ પર આ હોટેલ બનાવી હતી. જે તે સમયની વૈભવશાળી હોટેલ હતી.
જો કે હાલમાં દમણના મોટી દમણ ખાતે કરોડોના ખર્ચે સી-ફેસ રોડ બનાવી પ્રશાસને દમણને પ્રવાસન ક્ષેત્રે પ્રવાસીઓમાં માનીતું પ્રવાસનધામ બનાવ્યું છે. આ જ પ્રોજેકટ હેઠળ દેવકા બીચને પણ ડેવલોપ કરવાનો પ્લાન પ્રશાસનનો હતો. પરંતુ તેમના આ મહત્વાકાંક્ષી પ્રોજેકટમાં હોટેલ સાગર સન અને કરોડોની જમીન બાધારૂપ હતી. આ અંગે છેલ્લા ઘણા સમયથી પ્રશાસન અને સુકર શેઠના પરિવાર વચ્ચે વાટાઘાટો ચાલતી હતી. જેમાં આખરે ફરી એકવાર સુકર શેઠના પરિવારે પોતાની દાતારીનો પરચો બતાવ્યો હતો.
સાગર સન હોટેલ દમણની પ્રથમ વૈભવી હોટેલ હતી…..
સુકર શેઠ તરીકે જાણીતા સુકર બખિયાના પત્ની માણેક સુકર બખિયાએ જમીન અને હોટેલનું એકપણ રૂપિયાનું વળતર લીધા વિના હોટેલને તોડવાની પરિમશન આપી દીધી હતી. 20 એકર આસપાસની આ કરોડોની જમીનમાંથી 3 એકર જેટલી જમીન સી-ફેસ પ્રોજેકટમાં જતી હતી. જેના પર 380 મીટર લંબાઈ અને 30 મીટર પહોળાઈ ધરાવતી કરોડોની હોટેલ પણ હતી. તેમ છતાં બખિયા પરિવારે મોટું મન રાખી દમણના વિકાસ માટે એકપણ રૂપિયો લીધા વિના હોટેલ અને જમીન પ્રશાસનને સુપ્રત કરી દીધી હતી.
બખિયા પરિવારે કરોડોની પ્રોપર્ટી પરથી પોતાનો હક જતો કરતા રવિવારે દમણ પ્રશાસને હોટેલના બાંધકામને ડિમોલિશ કરવાની કામગીરી હાથ ધરી હતી. હોટેલના ડિમોલિશન બાદ તેનો જે કાટમાળ છે તે પણ અન્ય સ્થળે ફેંકવો ના પડે તે માટે તમામ કાટમાળ સુકર શેઠના પરિવારે પોતાને આપવા પ્રશાસન સમક્ષ ખાતરી મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી દેવકા સી-ફેસ પ્રોજેકટ આ વાટાઘાટો માં અટવાયો પડ્યો હતો. ત્યારે હવે તેને તેજ ગતિએ પૂર્ણ કરવા મોકળું મેદાન મળ્યું છે. અને આગામી દિવસોમાં મોટી દમણની જેમ અહીં પણ કરોડોના ખર્ચે મરિન ડ્રાઈવ જેવો અત્યાધુનિક રમણીય સી-ફેસ આકાર લેશે જે દમણના બીચની શોભામાં અભિવૃદ્ધિ કરશે.