Wednesday, February 5News That Matters

વરસાદી પાણીના ભરાવાથી બન્યું તળાવ, મચ્છરજન્ય રોગને નોતરું આપી રહ્યું છે…?

સંઘપ્રદેશ દમણના ભેંસલોરથી કુંતા વચ્ચે પસાર થતો રોડ, અને રોડની વચ્ચોવચ્ચ તળાવનું નિર્માણ, આ કોઈ પ્રદેશની સુંદરતા અને રોડના બ્યુટીફીકેશનમાં ચાર ચાંદ લગાવતો નવો પ્રોજેક્ટ નથી, પણ નવા બની રહેલા રોડની વચ્ચે વરસાદી પાણીના ભરાવાને કારણે ઉત્પન્ન થયેલી નવી સમસ્યા છે, આમ તો ભેંસલોરથી કુંતાને જોડતો એક કિમીના રોડનું નવીનીકરણ છેલ્લા એકથી દોઢ વર્ષથી ચાલુ છે, જો કે અગમ્ય કારણોસર રોડનું કામ અધૂરું મુકાતા અહીંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો અગાઉથી જ ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા, એમાં વળી કરમની કઠણાઈ એવી કે ચોમાસા દરમ્યાન પહોળા અને ખખડધજ રોડના ડિવાઇડરના ખાડામાં વરસાદી પાણીનો ભરાવો થતા રોડની બરાબર માધ્યમ નાનકડા તળાવનું નિર્માણ થઇ ગયું છે,

જો કે કોઈ વાહન ચાલકો આ નાનકડા તળાવમાં ન પડી જાય એ માટે તેની ચારેકોર પટ્ટીઓ મારીને તેની બંને છેડે ડાયવર્જનનું બોર્ડ મારવા જેટલી તકેદારી તો તંત્રએ રાખી છે, પણ વરસાદી પાણીના ભરાવાને કારણે આ નાના ખાબોચિયામાં મચ્છરોના ઉપદ્રવ માજા મૂકે તેવી શક્યતા વર્તાઈ રહી છે,

હજી બે દિવસ પહેલા જ દમણની નજીકના વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુનો કેસ સામે આવતા એક 23 વર્ષીય યુવતીનું ડેન્ગ્યુની સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું, જેથી તાત્કાલિક હરકતમાં આવેલા વહીવટી તંત્રએ મચ્છરોના ઉપદ્રવને નાથવાના પ્રયાસો શરુ કરી દીધા હતા,

પરંતુ દમણમાં તો ઉલ્ટી જ ગંગા વહી રહી છે, અહીં પાણીજન્ય રોગોના પ્રકોપને નાથવાને બદલે માર્ગો પર આવા ખાડાઓને ખાસ સુરક્ષા એનાયત કરીને ખાસ મચ્છર ઉછેર કેન્દ્રો ખોલવામાં આવી રહ્યા છે,

જાહેર માર્ગ પર બનેલું આ ગંદા પાણીનું તળાવ આસપાસના સ્થાનિક લોકોના આરોગ્યને જોખમાવી રહ્યું છે, અને પ્રદેશનું સંવેદનહીન હેલ્થ વિભાગ ગાઢ નિદ્રામાં પોઢી રહ્યું છે, ત્યારે માત્ર ડેન્ગ્યુ રથને લીલી ઝંડી આપવી અને મોટી મોટી જાહેરાતોના ઢોલ પીટવાને બદલે વહીવટી તંત્ર ગંદા પાણીનો નિકાલ કરીને ખાડાઓમાં કપચી પાથરીને મચ્છરોના ઉદ્ભવ કેન્દ્રના સમૂળ નાશની જમીની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ દમણવાસીઓમાં ઉઠી રહી છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *