વિશ્વમાં વધતી અદ્યતન ટેકનોલોજી લોકોને સુખ-સુવિધાઓ સાથે દુવિધા પણ આપી રહી છે. કેટલાક શાતિર દિમાગના અપરાધિઓ આ ટેકનોલોજી નો ઉપયોગ લોકોને ઠગવાના ગંભીર અપરાધમાં કરી રહ્યા છે. જેમાં હવે દેશના જ નહીં વિદેશના લોકો દુનિયાના કોઈપણ ખૂણે બેસીને પળવાર માં તમારું એકાઉન્ટ ખાલી કરી નાખે છે. જો કે આવા જ એક ગુન્હાનું પગેરું શોધવા નીકળેલ દમણ સાયબર ક્રાઇમની ટીમે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નો પર્દાફાશ કરી એક નાઇઝીરિયન યુવકની ધરપકડ કરી છે.
દમણ સાયબર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરી એક નાઇઝીરિયનની દિલ્હીથી ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી ફેસબુક, વોટ્સએપ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો સાથે દોસ્તી કરી મોંઘી ગિફ્ટની લાલચ આપી એટીએમ કાર્ડ, બેંકની વિગતો માંગી પૈસા ઉપાડી ફ્રોડ કરતો હતો.
દમણના એક નાગરિકના ફેસબુક એકાઉન્ટ પર ફિલિપ નામના વ્યક્તિએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી જેને દમણના નાગરિકે એક્સેપ્ટ કરી હતી. જે બાદ થોડા દિવસો સુધી ચેટિંગ કરી દોસ્તીરૂપી ભરોસો જીતી 1 કરોડ 39 લાખ રૂપિયાની મોંઘી ગિફ્ટ મોકલી હોવાનું જણાવ્યું હતું. જેના બીજા દિવસે કસ્ટમ ઓફિસરનો ફોન આવ્યો કે ભેટ ખૂબ મોંઘી છે. આથી તેણે કસ્ટમ ક્લિયરન્સ માટે 10 લાખ રૂપિયા ભરવા પડશે. મિત્ર એ મોકલેલ મોંઘી ગિફ્ટ છોડાવવા દમણના નાગરિકે 10 લાખ જેવી માતબર રકમ બેંક થકી મોકલી જો કે તે બાદ એક વર્ષથી તેને કોઈ ગિફ્ટ મળી નહિ.
જે અંગે આખરે દમણ પોલીસમાં ગુન્હો નોંધ્યો. દમણ પોલીસે પણ શંકાસ્પદ બેંક ખાતાઓની વિગતોનું પૃથ્થકરણ કર્યું. જેમાં એક વિશાળ નેટવર્કની જાણકારી મળી અને તેનું પગેરું દિલ્હીમાં હોવાનું જાણી એક ટીમને દિલ્હી મોકલી જે ટીમે દિલ્હીના મોહન ગાર્ડન, ઉત્તમ નગર, મહાવીર એન્ક્લેવ અને ચંદ્ર વિહારના વિવિધ વિસ્તારોના ATM માંથી ઉપડેલા પૈસા અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી.
જો કે આ તપાસમાં ખાટલે મોટી ખોડ એ હતી કે
પોલીસ પાસે તેમનો કોઈ ફોટો કે ઓળખ પુરાવા નહિ હોવા છતાં પણ દિલ્હીથી ફેલાતા સાયબર છેતરપિંડીના ઊંડા મૂળને બહાર કાઢ્યા છે. દમણ પોલીસની તપાસમાં બેસિલ એડેકે ઓડિનીકપો (ઉમુદિયોરાનો નાઇજિરિયન નાગરિક)ને કુરિયર મેળવતી વખતે રંગે હાથે ઝડપી પાડ્યો, જેની પાસેથી નેપાળની બેંક સહિત ભારતીય બેંક ના 12 જેટલા એટીએમ કાર્ડ, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મળી 14 સિમ કાર્ડ 12 મોબાઈલ ફોન, 6 ડોંગલ્સ, બેંક ચેકબુક સહિતની સાયબર ફ્રોડમાંં ઉપયોગી સામગ્રી પણ હાથ લાગી. જે બધું કબ્જે કરી દમણ પોલીસે નાઇઝીરિયન યુવકને દમણ લાવી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી બેસિલ અડેકે ઓડિનિકપો પાસેથી દેશ માટે ગંભીર ગુન્હો ગણાતા નકલી પાસપોર્ટ પણ મળી આવ્યો છે. અને વિઝા પર દિલ્હીમાં જ રહીને અનેક ભારતીયોને સોશ્યલ મીડિયા પર પહેલા દોસ્તી પછી મોંઘી ગિફ્ટના નામે લાલચ આપી પળવારમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખતો હતો. જો કે હાલ દમણ પોલીસે આ આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરી ભારતીય નાગરિકોના મહેનતના પૈસાને છીનવી લેવાનો પ્રયાસ કરવાના કાવતરામાં અન્ય કેટલા લોકો ની સંડોવણી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.