કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ ડ્રગ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાનો પર્દાફાશ થયો છે. દમણ પોલીસે બોર્ડર ચેકિંગ અને પેટ્રોલિંગ દરમિયાન બે ડ્રગ પેડલર અને એક ડ્રગ સપ્લાયરની ધરપકડ કરી 41.24 ગ્રામ MDMA ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ ગુન્હામાં પોલીસે દમણ, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર ના મળી 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નાની દમણ પોલીસ સ્ટેશનમાં કલમ 21, 22 NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ત્રણ આરોપીઓ ઉમેશ દિનેશ પટેલ @ કનુ ઉંમર 32 વર્ષ, સરનામું: ધોબી તળાવ, કથીરિયા, નાની દમણ, શિવમ વિપિન શ્રીવાસ્તવ @ યોગી ઉંમર 24 વર્ષ, સરનામું:- ખારીવાડ નાની દમણ, મૂળ: મૈનપુરી, ઉત્તર પ્રદેશ અને અલી સુલેમાન મન્સૂરી 42 વર્ષ, સરનામું:- મુંબઈ, મહારાષ્ટ્ર ની ધરપકડ કરી છે.
આ આરોપીઓ પાસેથી MDMA (Mythylenedioxy Methamphetamine) નામનું 41.24 ગ્રામ ડ્રગ્સ, મોબાઈલ ફોન 04 નંગ, વજનનું મશીન 01 નંગ, મોપેડ બાઇક 01 નંગ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીને 26/06/2022 ના રોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં હો. કોર્ટે 29/06/2022 સુધી પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ મંજૂર કર્યા હતાં. આ મામલે વધુ તપાસ દમણ પોલીસ કરી રહી છે.
દમણ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિઓને રોકવા માટે બીટ પોલીસના જવાનોને દમણની તમામ આંતર-રાજ્ય સરહદો પર પેટ્રોલિંગનો આદેશ આપવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં, 25/06/2022 ના રોજ દમણ પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે કિંગ બાર ડાભેલ, હનુમાન મંદિર પાસે 2 ઈસમો નશીલા પદાર્થોનું વેચાણ કરવા આવી રહ્યા છે.
આ બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જે દરમ્યાન રાત્રે 23:00 વાગ્યે ત્રણ છોકરાઓ એક નંબર વગરની મોટર સાયકલ પર આવ્યા હતાં. જેની શંકાના આધારે તલાશી લેતા તેમની પાસેથી દૂધીયા રંગનો પદાર્થ મળી આવ્યો હતો. જેની ચકાસણી કરવા FSL વલસાડની ટીમને બોલાવવામાં આવી હતી અને તપાસ બાદ આ પદાર્થ MDMA (મેથિલેનેડિયોક્સી-મેથામ્ફેટામાઈન) હોવાની પુષ્ટિ થઈ હતી. જેનું કુલ વજન 41.24 ગ્રામ હતું.