હાલમાં ચાલી રહેલ IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા 4 રાજકોટવાસીઓને દમણ પોલીસે દબોચી લઈ સટ્ટા-બેટિંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મોટી દમણના ભામટી ખાતે આવેલ અન્ના ફાર્મ હાઉસમાં દરોડો પાડ્યો હતો. જેમાં 4 સટોડીયાઓની ધરપકડ કરવા સાથે તેમની પાસેથી 21,750 રૂપિયા રોકડા તેમજ 24 મોબાઈલ ફોન, 02 લેપટોપ, ડોંગલ-ચાર્જર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
દમણ પોલીસને બાતમી મળી હતી કે મોટી દમણ ભામટી સ્થિત અન્ના ફાર્મ હાઉસમાં રાજકોટથી આવેલા સટોડીયાઓ IPLની ક્રિકેટ મેચ પર જુગાર રમાડે છે. આ બાતમીના આધારે દમણ પોલીસે ટીમ બનાવી અન્ના ફાર્મ હાઉસમાં દરોડો પાડ્યો હતો. જ્યાં IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ v/s સનરાઇઝર્સ હૈદરાબાદની મેચ પર 04 લોકો “જુગાર” રમતા અને સટ્ટો રમાડતા જોવા મળ્યા હતાં. જેઓને ઝડપી પાડી જુગાર ધારા કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
સટોડીયાઓની પ્રાથમિક પૂછપરછમાં તેમના નામ 1, રાંછ હિરેન શૈલેષ, કેવડાવાડી, કુળદેવી કૃપા, રાજકોટ, 2, દલ મુસ્તાક કાસમ, સુભાષનગર આમ્રપાલી સિનેમા રૈયા રોડ, રાજકોટ, 3, શેખ સબીર સુલેમાન, સુભાષનગર આમ્રપાલી સિનેમા, રૈયા રોડ, રાજકોટ, 4, વૈકરિયા હિમાંશુ પરશોત્તમ, સુભાષનગર આમ્રપાલી સિનેમા રૈયા રોડ, રાજકોટ, ગુજરાતના હોવાની વિગતો મળી હતી. દમણ કોસ્ટલ પોલીસે ચારેયની ધરપકડ કરી જુગારધારા કલમ 3, 4, 7 ગોવા, દમણ અને દીવ જાહેર જુગાર અધિનિયમ, 1976 હેઠળ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલ ચારેય આરોપીઓ પાસેથી 24 મોબાઈલ ફોન, 02 લેપટોપ, 01 ચાર્જર, 01 ડોંગલ અને 21,750 રૂપિયાની રોકડ મળી આવી હતી.