Friday, January 31News That Matters

દમણ બીચ પર ફરવા આવેલા સાહેલાણીઓએ કાઈટ ફેસ્ટિવલમાં પતંગ ચગાવી પેચ લગાવ્યા

ઉત્તરાયણ પર્વ એટલે રંગબેરંગી અને અવનવી ડિઝાઇનના પતંગોને આકાશમાં ઉડાડવાનો દિવસ. મકરસંક્રાંતિ ના આ પાવન પર્વ નિમિત્તે દમણ પ્રશાસન દ્વારા મોટી દમણ લાઈટ હાઉસ ખાતે કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દમણ ફરવા આવેલા પ્રવાસીઓ જોડાયા હતાં. બીચ પર હરવા ફરવા સાથે સાહેલાણીઓએ કાઇપો છે ની બુમો લગાવી પતંગ ઉડાડયા હતાં.

મોટી દમણ લાઈટ હાઉસ ખાતે દમણ પ્રશાસન દ્વારા આયોજિત કાઈટ ફેસ્ટિવલ નિમિત્તે DJ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. DJ રિમિક્સ ગીતોની સંગાથે સ્થાનિક દમણવાસીઓ, વાપીવાસીઓ અને સુરત, બરોડા સહિત ગુજરાતમાંથી આવેલા પ્રવાસીઓ, મહારાષ્ટ્રમાંથી આવેલા પ્રવાસીઓએ પણ પતંગ ચગાવવાનો આનંદ ઉઠાવ્યો હતો.
બીચ પર મોટી સંખ્યામાં આવેલા પ્રવાસીઓએ અવનવી રંગબેરંગી પતંગોને આકાશમાં ચગાવી હતી. પ્રવાસી પતંગબાજોએ પતંગના પેચ લગાવ્યા હતાં. સાથે મકરસંક્રાંતિ નિમિત્તે ખવાતા તલ, સિંગના લાડુ, ચીક્કી અને ઊંધીયાની જયાફત માણી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે દમણ પોલીસ પણ બીચ પર સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *