દમણની અન્ન સેવા સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને માત્ર 10 રૂપિયામાં સંપૂર્ણ ભોજન આપવામાં આવે છે. 10 મહિના પહેલા શરૂ થયેલી આ સંસ્થાઍ અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકોને ભોજન પૂરું પાડ્યું છે. હવે, સંસ્થાએ મોટી દમણના CHC કેમ્પસમાં પોતાની ત્રીજી કેન્ટીનનો શુભારંભ કર્યો છે,
કોઈ ભૂખ્યો રહે નહિ અને છેલ્લામાં છેલ્લી વ્યક્તિ સુધી ભોજન પહોંચે. ફૂડ ફોર લાઈફના ઉદેશ્યને સાર્થક કરી શકે તે આશયથી જાન્યુઆરી 2024માં પ્રવીણ ચન્દા, સુબ્રતો ગૌરાંગ અને ઈશર સિંહ શેખાવત નામના ત્રણ મિત્રોએ દમણમાં અન્ન સેવા સંસ્થાની સ્થાપના કરી હતી,
સંસ્થા દ્વારા પહેલી કેન્ટીન ડાભેલના ક્લેરિયા વિસ્તારમાં ખોલવામાં આવી હતી, જે બાદ બીજી કેન્ટીન ભીમપોર વિસ્તારમાં ખોલી હતી, અને હવે, મોટી દમણ CHC કેમ્પસમાં ત્રીજી કેન્ટીનનો શુભારંભ કર્યો છે, સંસ્થાના પદાધિકારીઓના જણાવ્યા મુજબ દમણની સરકારી હોસ્પિટલોમાં દાખલ ગરીબ દર્દીઓને તો હોસ્પિટલની કેન્ટીન તરફથી ભોજન મળી રહે છે, પરંતુ તેમના સંબંધીઓ માટે ભોજન બહારથી જ લાવવું પડે છે, જેને ધ્યાનમાં રાખીને CHC કેમ્પસમાં કેન્ટીનનો શુભારંભ કર્યો છે,
આ CHC ખાતેની કેન્ટીનમાં દરેક લોકોને સવાર સાંજ માત્ર 10 રૂપિયામાં ભરપેટ ભોજન મળી રહેશે, સંસ્થા દ્વારા અપાતી ભોજનની થાળીમાં કઠોળ, દળ ભાત અને શાકભાજી આપવામાં આવે છે. રસોઈમાં મગ અને મસૂરની દાળના ઉપયોગ સાથે પોલીશ વગરના ચોખા પીરસવામાં આવે છે, જેથી ખોરાકમાં પ્રોટીનની માત્રા જળવાઈ રહે.
જરૂરિયાતમંદ લોકો ભોજન લીધા પછી 10 રૂપિયા દાનપેટીમાં નાખે છે. અને સંસ્થાને આશીર્વાદ આપે. જે જોઈને સેવા કરતા લોકોમાં ઉર્જાનો નવો સંચાર થાય છે. તો, જે લોકો કેન્ટીન સુધી આવી શકતા નથી તેવા લોકો માટે સંસ્થા દ્વારા ટિફિનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે,
અન્ન સેવા સંસ્થાએ સ્થાપેલી કેન્ટિનોમાં દરરોજ 300 થી વધુ લોકો એક સાથે ભોજન કરે છે, જેમાં આસપાસના ગરીબ મજુર પરિવારોના બાળકો પણ સામેલ છે. સંસ્થાના કિચનમાં ઍક દિવસમાં 40 કિલો ચોખા બને છે. સંસ્થાના સેવા કાર્યથી પ્રેરિત થઈને કેન્ટીનની આસપાસના અન્ય લોકો પણ તેમને ભોજન બનાવવામાં મદદ કરે છે.
અન્ન સેવા સંસ્થા ભોજનની પવિત્રતા પર પણ ખાસ ધ્યાન રાખે છે, CHC કેમ્પસમાં શરુ થયેલી કેન્ટીન સાથે દમણમાં અન્ન સેવા સંસ્થાની કુલ ત્રણ કેન્ટીનો કાર્યરત થઇ ગઈ છે, અને આગામી દિવસોમાં દમણના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા ભીમપોર, કચીગામ, દાભેલ, સોમનાથના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પણ કેન્ટીનની સ્થાપના કરવા માંગે છે.