દમણની એક વ્યક્તિનો CIBIL સ્કોર વધારી આપવા તેમજ શોધવામાં મદદ કરવાના બહાને તેના ખાતામાંથી 3.68 લાખ રૂપિયા ડેબિટ કરાવી લેનાર ઝારખંડની સાયબર ક્રિમિનલ ગેંગનો દમણ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 1,29,900ની રકમ પરત કરાવવા સાથે સાયબર છેતરપિંડી કરતી ગેંગના 4 ઇસમોને કલકત્તાથી દબોચી લઈ મહત્વની સફળતા મેળવી છે.
ઘટના અંગે જિલ્લા પોલીસવડા અમિત શર્માએ આપેલી વિગતો મુજબ 22/03/2022 ના રોજ નાની દમણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, 15/03/2022 ના રોજ તેણે Google પર તેનો CIBIL સ્કોર સર્ચ કર્યો હતો. જે બાદ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેણે તેનો CIBIL સ્કોર શોધવામાં મદદ કરશે તે માટે Anydesk નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું જણાવ્યુ હતુ.
ફરિયાદીએ તે એપ્લિકેશન તેના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરી હતી. જે બાદ ફરિયાદીના મોબાઈલ પર રકમ ડેબિટ થઈ રહી હોવાના મેસેજ આવવા લાગ્યા હતા. તેણે બેંકમાં ઉપરોક્ત વ્યવહાર વિશે પૂછપરછ કરી ત્યારે બેંક મેનેજરે તેને કહ્યું કે તમે ફ્લિપકાર્ટ અને ફ્રી રિચાર્જ પર કેટલાક ટ્રાન્ઝેક્શન કર્યા છે, જ્યારે ફરિયાદીને તેની જાણ નહોતી એ રીતે કુલ 3,68,415/- ડેબિટ થયા હતા. જેમાં દમણ પોલીસની સાયબર ટીમે 1,29,900 રૂપિયા પરત ફરિયાદીના ખાતામાં જમા કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.
આ તપાસમાં દમણના નાની દમણ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઇ હતી. ભારતીય દંડ સંહિતાની કલમ 420 હેઠળ કેસ નોંધવામાં આવ્યો અને વધુ તપાસ શરૂ કરી હતી. સાયબર ટીમે ફ્લિપકાર્ટની વિગતોનું પૃથ્થકરણ કર્યું અને બે અલગ-અલગ રાજ્યો, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં આરોપી વ્યક્તિઓના સ્થાનોની ઓળખ કરી હતી. 270 કિલોમીટર લાંબા આ ફલકમાં આરોપીઓ સ્થાન બદલો કરતા હતાં.
દમણ સાયબર ટીમ કોલકાતા પહોંચી અને 600 મીટર (ગુનેગારોના હોટસ્પોટ) વિસ્તારમાં ફેલાયેલી લગભગ 50 બહુમાળી ઇમારતોમાં ટેકનિકલ સર્ચ ઓપરેશન શરૂ કરી રિકવરી સાથે ગુનામાં સામેલ તમામ 4 આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલ ચારેય આરોપીઓ સેમરુલ અંસારી, સમીમ અંસારી, મોહમ્મદ જીઓલ પાસેથી14 મોબાઈલ ફોન, 01 લેપટોપ, 36 એક્ટિવ સિમ કાર્ડ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પકડાયેલ ઝારખંડની આ છેતરપીંડી ગેંગ વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમના ગુન્હા જેવા કે વિવિધ કંપનીઓના ગ્રાહક સેવકોના નામે લોન હેતુ માટે CIBIL સ્કોર અને બેંકોના ગ્રાહક સેવાના નંબરોના નામે પોતાના નંબર ગૂગલ પર અપલોડ કરીને કે રોકડ ઈનામો, લોટરી વગેરે જેવી વિવિધ આકર્ષક ઓફરો આપીને નિર્દોષ લોકોના મોબાઈલને એક્સેસ કરવા માટે AnyDESK જેવી મિરરિંગ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી બેન્ક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરી છેતરપિંડી કરતી હતી.