Monday, September 16News That Matters

દમણ દિવની બેઠક પર બે વખત હારેલા કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ત્રીજી વખત ભર્યું ઉમેદવારી ફોર્મ, કહ્યું હવે સમય બદલાયો છે જૂન બતાવશે…!

દમણ દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઇ પટેલે 19મી એપ્રિલે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરી કેતન પટેલે મીડિયા સાથે વાત કરી હતી. જેમાં વર્ષ 2019 માં યોજાયેલ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ હતો અને આ વર્ષે 2024 માં યોજાનારી ચૂંટણીમાં પણ એ જ ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. 2019 માં તેઓ હાર્યા હતા. એ પહેલાં 2014માં પણ હારનો સામનો કરી ચુક્યા હતાં. ત્યારે, આ વખતે તેઓ જીતશે કે કેમ તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે દમણ દિવની જનતા બુદ્ધિ જીવી છે. એટલે તેઓએ શું કરવું છે તે એમને ખબર છે. ગયા વખતની સામે હવે સમય બદલાયો છે અને સમય સમયની વાત છે એટલે સમય બતાવશે જૂનનું પરિણામ

દમણ દીવ લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભરતા પહેલા કેતન પટેલે મોટી દમણ માર્કેટ વિસ્તારમાં એક સભા યોજી હતી. જેમાં કોંગ્રેસના અગ્રણીઓ અને તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા કેતન પટેલે અનેક મુદ્દે ભાજપ અને કેન્દ્ર સરકારને આડે હાથ લઈ વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ પર આક્ષેપ કર્યા હતા.

ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથેની વાત માં કેતન પટેલે જણાવ્યું હતું કે, આ લડાઈ તાનાશાહીની વિરુદ્ધ ની લડાઈ છે. આ વિચારધારાની લડાઈ છે. જેમાં દમણ દીવ ની જનતાને પોતાની સાથે રહી કોંગ્રેસને સહકાર આપવા અપીલ કરી હતી. કેતન પટેલે વધુમાં જણાવ્યું હતું કે મતદારો એક દિવસ મતદાન માટે ફાળવી કોંગ્રેસ ને મત આપે બાકીના પાંચ વર્ષ તેઓ ઘરે રહે, તાનાશાહી ને તેઓ જોઈ લેશે તેને નેસ્ત નાબૂદ કરવાની તેમનામાં આવડત છે. તેમના માટે આ કંઈ નવું નથી. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે લોકોની ભાવના જોઈ હોય તે જોઈને આંખમાં આંસુ આવી ગયા હોવાનું જણાવ્યું હતું. દમણ દિવમાં હાલ ભયનું વાતાવરણ છે. જેને ભગાડવા માટે જ આ લડાઈમાં મતદારો કોંગ્રેસને સાથ આપશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કેતન પટેલ આ પહેલા વર્ષ 2014 અને 2019માં લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે. આ બન્ને ચૂંટણીમાં તેમને ભાજપના ઉમેદવાર સામે હાર નો સામનો કરવો પડ્યો છે. ગત 2 ટર્મની ચૂંટણીમાં તેમણે મેળવેલ મતોની વિગતો જોઈએ તો, વર્ષ 2014ની લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલને 37738 મત મળ્યા હતાં. જ્યારે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલને 46960 મત મળ્યા હતાં. 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના કેતન પટેલની ભાજપના લાલુભાઈ પટેલ સામે 9222 મતથી હાર થઈ હતી.

વર્ષ 2019માં ફરી કોંગ્રેસે દમણ દિવ લોકસભા બેઠક માટે કેતન પટેલને ટીકીટ આપી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં કેતન પટેલને 27965 મત મળ્યા હતાં. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ હતો. ત્રીજા ઉમેદવાર અપક્ષ ઉમેદવાર હતાં. ઉમેશ પટેલ નામના આ અપક્ષ ઉમેદવારને 19939 મત મળ્યા હતાં. આ ચૂંટણી જંગમાં ભાજપના લાલુભાઈ પટેલ 9942 મતની લીડ થી વિજય થયા હતાં. કદાચ આટલી સામાન્ય લીડ યોગ્ય રણનીતિથી કાપી શકાય તેવો વિશ્વાસ કેતન પટેલને છે અને એટલે જ એણે હવે સમય આવ્યો હોવાની વાત કહી હોય એવી ચર્ચા રાજકીય પંડિતોમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *