દમણ-દીવ અને દાદરા નગર હવેલી લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું રવિવારે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલની અધ્યક્ષતામાં પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દમણમાં 8 જેટલા NCP ના કાર્યકરો-હોદ્દેદારોને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં સામેલ કર્યા હતાં. પૂર્ણેશ મોદીએ આ વખતની લોકસભા ચૂંટણીમાં દમણ-દિવ અને દાદરા નગર હવેલી બંને લોકસભા સીટ પર ભાજપનો જ્વલંત વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પહેલા પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદીની હાજરીમાં, તમામ કાર્યકરોએ સમૂહમાં બેસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત” સાંભળ્યો હતો. ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન દરમ્યાન આયોજિત જાહેર સભામાં NCPના આઠ અગ્રણી કાર્યકરોને ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
પૂર્ણેશ મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે 2014 પછી દમણ દિવ અને દાદરા નગર હવેલીમાં અનેકગણો વિકાસ મોદી સરકારના શાસનમાં થયો છે. સેલવાસના અંતરિયાળ ગામડા સુધીના લોકોને મોદીમાં વિશ્વાસ છે. આ પ્રદેશમાં એક સમયે માફિયા રાજ હતું જે ખતમ કર્યું છે. દરેક વર્ગના લોકોનો વિકાસ કરી વિશ્વાસ જીત્યો છે. એટલે આ લોકસભા ચૂંટણીમાં ભાજપ બન્ને લોકસભા સીટ જંગી બહુમતથી જીતશે. ભાજપનો ઝંડો લહેરાશે.
પૂર્ણેશ મોદીએ કાર્યકરોને સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, લોકસભા-2024ની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરી આપણે સૌએ ચૂંટણીમાં ઝંપલાવવાનું છે. પ્રચાર અને જનસંપર્ક અભિયાન દરેક મુખ્ય કાર્યકર્તા, એક બુથ અપનાવીશું તો બૂથ જીતવું અમારા માટે સરળ બનશે. ભાજપને જંગી બહુમતીથી જીતાડવાની છે.
પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલે જણાવ્યું હતુ કે, પ્રદેશ પ્રભારી પૂર્ણેશભાઈ ના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ સાથે જોડાયેલા તમામ લોકોનું ભાજપ પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું. દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપ ફરી એકવાર દમણ દીવ લોકસભા બેઠક જીતશે. સાથે જ દાદરા નગર હવેલી બેઠક પર પણ વિજય મેળવશે.
કાર્યક્રમમાં દમણ દીવ સાંસદ લાલુભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, પૂર્વ સાંસદ ગોપાલ દાદા, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણિયા, પ્રદેશ ઉપપ્રમુખ અને દમણ દીવ લોકસભા ચૂંટણી કાર્યાલયના પ્રભારી મહેશ આગરિયા, પ્રદેશ સચિવ જીજ્ઞેશ પટેલ, ફાલ્ગુની બેન પટેલ, બાલુભાઈ પટેલ, સિમ્પલ બેન કાટેલા, તરૂણા બેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.