દમણ કોસ્ટગાર્ડના જવાનોએ કદાચ દેશમાં પ્રથમવાર કહી શકાય તેવું ઐતિહાસિક રેસ્ક્યુ કર્યું છે. ભારતમાં ક્યારેય 72 વર્ષના વૃદ્ધ મહિલા-પુરુષને અને સાથે માત્ર 11 મહિનાની બાળકીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હોય તેવી નોંધ નથી. જે સિદ્ધિ દમણ કોસ્ટગાર્ડ દ્વારા મેળવવામાં આવી છે. ગુરુવારે નવસારીના ગણદેવી વિસ્તારમાંથી પસાર થતી કાવેરી નદીના પાણી નજીકના તોરણા ગામમાં ફરી વળતા કોસ્ટગાર્ડ ના હેલિકોપ્ટરથી પુત્રી, માતા અને સાસુને રેસ્ક્યુ કર્યા હતાં.
વલસાડ જિલ્લા સહિત નવસારીમાં હાલ તમામ નદીઓ બેકાંઠે વહી રહી છે. જેના પુરના ધસમસતા પાણીમાં કાંઠા વિસ્તારના અનેક લોકો ફસાયા છે. ત્યારે, ગુરુવારે નવસારીના ગણદેવી વિસ્તારમાંથી પસાર થતી કાવેરી નદીના પાણી નજીકના તોરણા ગામમાં ફરી વળતા ગામલોકો ફસાયા હતાં. જેઓને બચાવવા દમણ કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી હતી.
આ મહત્વના ઓપરેશનમાં દમણ કોસ્ટગાર્ડ ના એક હેલિકોપ્ટરને રવાના કરવામાં આવ્યું હતું. જેમાં સવાર પાયલોટ, કો-પાયલોટ સહિત 4 જવાનો હતા જેઓએ ગામની એક છત પર 2 દિવસથી પુરના પાણી સામે ઝઝૂમતા 72 વર્ષના એક દાદી, 11 મહિનાની પૌત્રી અને તેની માતાને એરલીફ્ટ કરી નજીકમાં આવેલ તેમના સબંધીઓના ઘરે મેદાનમાં સુરક્ષિત ઉતારી નવજીવન આપ્યું હતું.
આ અંગે મળતી વિગતો મુજબ દમણ કોસ્ટગાર્ડના જવાનોએ કદાચ દેશમાં પ્રથમવાર કહી શકાય તેવું ઐતિહાસિક રેસ્ક્યુ કર્યું છે. ભારતમાં ક્યારેય 72 વર્ષના વૃદ્ધ મહિલાને અને સાથે માત્ર 11 મહિનાની બાળકીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોય તેવી નોંધ નથી. જે સિદ્ધિ દમણ કોસ્ટગાર્ડ દ્વારા મેળવવામાં આવી છે.
દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયેલ માતા, પુત્રી અને સાસુ 2 દિવસથી ઘરના ધાબા પર જીવન મરણ વચ્ચે સંઘર્ષ કરતા હતાં. જેમાં તેમની 11 મહિનાની પુત્રી બીમાર પડી હતી. તેમની અને 72 વર્ષના દાદીની દવા ખૂટી ગઈ હતી. તેવા સમયે કોસ્ટ ગાર્ડના જવાનો દેવદૂત બનીને આવ્યા હતા. રેસ્ક્યુ કરાયેલ માતા-પુત્રી, સાસુ સાથે પુરુષમાં એક વ્યક્તિ હતો જે સારો તરવૈયો હોય તેમણે ઘરના જરૂરી સામાન સાથે તરીને સુરક્ષિત સ્થાન પર પહોંચી જવાની વાત કરી પત્ની-પુત્રી અને માતાને કોસ્ટગાર્ડ ના હેલિકોપ્ટર માં બેસાડ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે દમણ કોસ્ટગાર્ડ દ્વારા આ પહેલા પણ વલસાડ જિલ્લામાં 16 લોકોને એરલીફ્ટ કરી ઉગાર્યા હતાં. અને હાલમાં ચોમાસાની સીઝનમાં ક્યાંય પણ કોઈ ફસાયું હોય અને તેને રેસ્ક્યુ કરવાની નોબત આવશે તો તે માટે હંમેશા તત્પર હોવાનો એહસાસ કરાવ્યો છે. પુત્રી, માતા અને સાસુ એમ ત્રણ પેઢીનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડતા તમામે આંખમાં હર્ષનાં આસું સાથે કોસ્ટગાર્ડના જવાનોનો આભાર માન્યો હતો