સપ્ટેમ્બર 19-2023ના ભાદરવા સુદ ચોથથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. ગુજરાત મહારાષ્ટ્રની સાથે દમણમાં પણ ઘરે ઘરે, સોસાયટીઓ તેમજ જાહેર સ્થળોએ મંડળો દ્વારા ગણેશજીનું સ્થાપન કરી એક, ત્રણ, પાંચ દિવસ એમ આયોજન મુજબ ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે,
દમણમાં મલબારી સોસાયટી, જેટી કા રાજા, દેવભૂમિ કે રાજા, સાથે વિવિધ શેરીઓમાં અબીલ, ગુલાલની છોળો અને ફૂલોના વરસાદ વચ્ચે ડીજે સહિતના સંગીતમય તાલે ઝૂમીને ભાવિકોએ વાજતે ગાજતે દુંદાળા દેવનું સ્થાપન કર્યું હતું, તો વ્યક્તિગત લોકો દાદાની નાની એવી માટીની મૂર્તિઓની ખરીદી કરી વાજતે ગાજતે ઘરે લઇ ગયા હતા.
વિઘ્નહર્તા ગણેશજીની કૃપા તેમના ભક્તો પર બની રહે, વિઘ્નો દૂર થાય, શુભ અને મંગળ થાય, જીવનમાં સફળતા મળે. પ્રદેશમાં સુખ શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના સાથે ભક્તોએ ગણેશ ચતુર્થીના શ્રીજીને રિઝવ્યા હતા, આ સાથે આ દિવસે વિવિધ મંડળો દ્વારા ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ મોટા મંડળો દ્વારા ગણેશ પંડાલમાં ભક્તો માટે મનમોહક થીમ પણ બનાવવામાં આવી છે,
જો કે આ વર્ષે ભારતનું ચંદ્રયાન મિશન ચર્ચામાં હોય મોટા ભાગના ગણેશ પંડાલોમાં ચંદ્રયાન મિશનને લગતી આકર્ષક થીમ બનાવવામાં આવી હતી, ગણેશ મહોત્સવ દરમ્યાન ભજન કીર્તન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,
કુલ 11 દિવસ સુધી સમગ્ર દમણ પ્રદેશ ગણેશની ભક્તિમાં રંગાશે, 11 દિવસ સુધી રોજ વાજતે ગાજતે ગણપતિ બાપ્પા મોરિયા આવતા વર્ષે લવકરિયાના નાદ સાથે દમણના દરિયામાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કરીને શ્રીજીને ભાવભીની વિદાય આપવામાં આવશે.