સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના દાદરામાં દેમણી રોડ પર આવેલ વિન્સેન્ટ પોલીપ્લાસ્ટ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં ગત રાત્રે 10 વાગ્યા આસપાસ આગની ઘટના બનતા દોડધામ નો માહોલ સર્જાયો છે. કંપની વિવિધ પ્રકારના પ્લાસ્ટિક પેઈલ્સ અને હેન્ડલિંગ કેરેટસનું ઉત્પાદન કરતી હોય ભીષણ આગમાં તમામ તૈયાર પ્રોડક્ટ્સ અને કાચો માલ બળીને સ્વાહા થઈ ગયો છે.
પ્રાથમિક માહિતી મુજબ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ પર કાબુ મેળવવા સેલવાસ અને વાપી નોટિફાઇડ ફાયરને બોલાવવામાં આવ્યા હતાં. જેઓએ આગ પર કાબુ મેળવી લોકોમાં ઉત્પન્ન થયેલ ગભરાટ ને શમાવ્યો હતો. કંપનીમાં લાગેલી ભીષણ આગના કારણે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.
કંપનીમાં લાગેલી વિકરાળ આગ ને બુઝાવવા સેલવાસ ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી. જેઓએ પાણીનો મારો ચલાવ્યો હતો. વિકરાળ આગ માટે વધુ કુમકની જરૂર હોય વાપી નોટિફાઇડ ફાયર ને પણ જાણ કરતા તેમની ટીમ પણ આગ બુઝાવવા પહોંચી હતી. સેલવાસની ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ફાયર ની ટીમ અને પોલીસની ટીમેં સાવચેતી દાખવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આગની વિકરાળ જ્વાળાઓને કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ નો માહોલ પણ જોવા મળ્યો હતો. વિન્સેન્ટ પોલીપ્લાસ્ટ પ્રાઈવેટ લિમિટેડ વિવિધ પ્રકારના પ્લાસ્ટિક પેઈલ્સ અને સામગ્રી-હેન્ડલિંગ ક્રેટ્સનું ઉત્પાદન કરે છે. જેનો સ્ટોરેજ કરવામાં આવ્યો હતો. જેને આગની જ્વાળાઓએ પોતાની ચપેટમાં લઈ લેતા મોટું નુકસાન થયું છે. જો કે, અગમ્ય કારણોસર લાગેલી આગમાં કોઈ જાનહાની નહિ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.